બિહાર BJPના ખોળામાં ધરી નીતિશ ચાલ્યા દિલ્હી, ભાજપે હિન્દી હાર્ટલેન્ડના “છેલ્લા ગઢ” પર એક જ ઝાટકે કર્યો કબજો

બિહારમાં ભાજપે ‘સોટી તૂટે નહીં અને સાપ મરે નહીં’ કહેવતની જેમ પાર્ટી તૂટે નહીં અને સત્તા હાથમાં રહે તે રીતે ખેલ પાડી દીધો છે. હોળીમાં બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ ગઈ. બિહારમાં બે દાયકા પછી મોટું પરિવર્તન આવી રહ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતે કહ્યું કે, મારે રાજ્યસભામાં જવાની ઈચ્છા ધરાવું છું. એમ કહીને બિહારની સીએમની ખુરશી ભાજપના ખોળામાં ધરી દીધી છે. ભાજપે કોઈપણ જાતના હોહા વિના ખેલ પાડી દીધો કે શાંતિથી બિહાર તેમના કબજામાં આવી ગયું. હિન્દી હાર્ટલેન્ડ ગણાતા છેલ્લા ગઢ ઉપર ભાજપે કબજો કરી લીધો છે. જ્યાં વર્ષોથી નીતિશ કુમાર જ મુખ્યમંત્રીનો ચહેરો બની રહ્યા હતા. નીતિશ કુમાર હવે અહીં મોટા ભાઈની ભૂમિકા ભજવશે. બે દાયકા પછી બિહાર મોટા રાજકીય પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. “બિહારમાં નીતિશ કુમાર” સૂત્ર હવે ગુંજશે નહીં. રાજકીય રીતે પરિપક્વ રાજ્યમાં પહેલીવાર ભાજપ પોતાના મુખ્યમંત્રી નિયુક્ત કરવાની તૈયારી કરી રહી છે.
બિહારના રાજકારણમાં આવેલા આ ઓચિંતા ફેરફાર વિશે સવાલ એ છે કે નીતિશ કુમાર કેવી રીતે સંમત થયા? મુખ્યમંત્રી બદલવાની ચર્ચાઓ વર્ષોથી ચાલી રહી હતી. ભાજપ પાસે વધુ સીટો હોવાનો તર્ક હતો છતાં રાજ્ય સભા ચૂંટણી સમયે આટલી મોટી રાજકીય ઉથલપાથલ પાછળનું કારણ શું છે?
JDUના વડા નીતિશ કુમાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી રાજ્યસભામાં જોડાવાના છે તેવા સમાચાર મળતાં જ સમર્થકોએ પટણામાં વિરોધ પ્રદર્શન ચાલુ કર્યું. આ નીતિશ કુમાર પ્રત્યેના તેમના પ્રેમનો પુરાવો છે. મહત્ત્વનું એ છે કે તેમણે નવેમ્બરમાં 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, તો પછી તેઓ માત્ર ચાર મહિના પછી જ પદ કેમ છોડી રહ્યા છે? ઊંડાણપૂર્વક જોવામાં આવે તો ખબર પડે છે કે ભાજપે તેના સાથી પક્ષ JDU સાથે મળીને આ યોજનાને ખૂબ જ કાળજીપૂર્વક અમલમાં મૂકી. ન તો સાથી પક્ષો તૂટી પડ્યા કે ન તો ટેકો. કોઈ પણ જાતના વાદવિવાદ વિના જ ભાજપની યોજના સફળ રહી.
1. નીતિશ કુમારનું સ્વાસ્થ્ય
જોકે ભાજપ અને JDUના નેતાઓ ખુલ્લેઆમ બોલતા નથી પરંતુ મુખ્યમંત્રીનું સ્વાસ્થ્ય પહેલા જેવું નથી. “સુશાસન બાબુ” વાળી છબીથી NDAને પૂર્વીય રાજ્યમાં અનેક જીત અપાવનારા નીતિશ કુમાર 1 માર્ચે 75 વર્ષના થયા. જો તેમની તબિયત સારી હોત, તો તેઓ પદ પર ચાલુ રહી શક્યા હોત, પરંતુ ઘણી વખત તેમણે સ્ટેજ પરથી એવી હરકતો કરી કે, NDA માટે અસ્વસ્થતાભરી પરિસ્થિતિ ઊભી થઈ. બાજુમાં ઊભેલા નેતાઓએ બાજી સંભાળવી પડે તેવી પરિસ્થિતિ લાવીને મુકી દેતા હતા. જો વીડિયો વાયરલ થયો હોત, તો પ્રશ્નો ઉભા થયા હોત. તેજસ્વી યાદવે આવા વીડિયોનો ઉપયોગ મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવવા માટે કર્યો હોત. નીતિશ કુમારને રાજ્યસભામાં ચૂંટણી લડવા માટે મનાવવાનું આ એક મોટું કારણ હોઈ શકે છે. હવે, તેમની રાજ્યસભાની બેઠક હોવાથી, તેઓ તેમના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. ત્યાં કામનું દબાણ પણ નોંધપાત્ર રીતે ઓછું થશે.
2. બિહારીઓની ઇચ્છા
5 માર્ચે નીતિશ કુમારે ટ્વિટ કરીને માત્ર એટલું જ લખ્યું નથી કે તેમની સંસદીય કારકિર્દીની શરૂઆતથી જ, તેમને બિહાર વિધાનસભાના બંને ગૃહો અને સંસદના બંને ગૃહોના સભ્ય બનવાની ઇચ્છા હતી. 2022 માં પણ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ખુલ્લેઆમ કહ્યું હતું કે, તેમનો લોકસભા ચૂંટણી લડવાનો કોઈ ઇરાદો નથી. હા, તેમને ચોક્કસપણે રાજ્યસભામાં જવાની ઈચ્છા દર્શાવી હતી. આ બિહારના ટોચના નેતાઓની ગતિશીલતાને કારણે છે. લાલુ પ્રસાદ, સ્વર્ગસ્થ સુશીલ મોદી, રામવિલાસ પાસવાન અને શરદ યાદવે પણ તેમની સાથે રાજકીય સફર શરૂ કરી હતી અને બધાએ રાજ્યસભામાં સેવા આપી હતી. કદાચ નીતિશ પણ પોતાની આ ઈચ્છા પૂરી કરવા માગતા હોય હવે લાલુ અને સુશીલ મોદીની જેમ ચારેય ગૃહોમાં સેવા આપવાનો રેકોર્ડ બનાવશે.
૩. ભાજપનું મિશન
બિહારમાં નવેમ્બર 2025માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ભાજપે જેડીયુ કરતા વધુ બેઠકો જીતી હતી. ભાજપે 89 બેઠકો જીતી હતી, જ્યારે જેડીયુએ 85 બેઠકો જીતી હતી. તેમ છતાં, ભાજપે નીતિશ કુમારને મુખ્યમંત્રી પદ સોંપ્યું. એવા અહેવાલ છે કે વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થયા પછી તરત જ ભાજપે જેડીયુ નેતાઓની સંમતિથી, એક વર્ષની અંદર ઉત્તરાધિકાર યોજના પર કામ કરવાનું શરૂ કર્યું. એવું કહેવામાં આવ્યું હતું કે જેડીયુના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકાર માટે ઉત્તરાધિકાર યોજનાની જરૂર હતી. હવે, ભાજપના સૂત્રો પાસેથી સમાચાર આવી રહ્યા છે કે નવા મુખ્યમંત્રી OBC (વસ્તીના 27 ટકા) અથવા અત્યંત પછાત વર્ગ (વસ્તીના 36 ટકા) માંથી હોઈ શકે છે.
બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામો (નવેમ્બર 2025)
ભાજપ 89
JDU 85
RJD 25
LJPRV 19
કોંગ્રેસ 6
AIMIM 5
અન્ય 14
હા, રાજ્યસભાની ચૂંટણી વચ્ચે જે રીતે નીતિશ કુમાર રાજીનામું આપી રહ્યા છે, એનાથી રાજ્યની 5 સીટોમાંથી હવે હવે JDUની ફક્ત એક જ બેઠક જાળવી શકશે. બે સાંસદ એપ્રિલમાં નિવૃત્ત થઈ રહ્યા છે. એક ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ છે, અને બીજા કર્પૂરી ઠાકુરના પુત્ર, કેન્દ્રીય મંત્રી રામનાથ ઠાકુર છે. રામનાથ ઠાકુર હવે રાજ્યસભામાં પાછા ફરે તેવી અપેક્ષા છે. નીતિશ કુમારની હરિવંશ સાથેની કેમેસ્ટ્રી કોઈપણ રીતે સારી રહી નથી. આવી સ્થિતિમાં, શું નીતિશ કુમારને રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરી શકાય? આ હાલમાં અટકળોનો વિષય છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: PSI પરીક્ષા પાસ કરનાર લેડી કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતાં ચકચાર