PSI પરીક્ષા પાસ કરનાર લેડી કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતાં ચકચાર

વડોદરા શહેરમાંથી પોલીસ વિભાગને હચમચાવી દેતી એક દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના કપુરાઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવ સામે આવતા પોલીસ બેડામાં ભારે શોક અને આશ્ચર્યનો માહોલ સર્જાયો છે. પ્રિયંકા પ્રજાપતિ વડોદરાના આજવા રોડ વિસ્તારમાં નવજીવન નજીક રહેતા હતા અને ત્યાં જ પોતાના નિવાસસ્થાને પંખા સાથે દુપટ્ટો બાંધીને આકરા પગલું ભર્યું હતું.

માહિતી મુજબ પ્રિયંકા પ્રજાપતિ મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની હતા અને છેલ્લા કેટલાક સમયથી વડોદરામાં ફરજ બજાવતા હતા. તેઓ મહેનતુ અને પ્રતિભાશાળી પોલીસ કર્મચારી તરીકે ઓળખાતા હતા. ખાસ કરીને પોલીસ વિભાગમાં વધુ ઉંચા પદ સુધી પહોંચવાની તેમની મજબૂત ઇચ્છા હતી. તાજેતરમાં જ તેમણે પીએસઆઈ (PSI) માટેની શારીરિક કસોટી એટલે કે દોડની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી. જેના કારણે તેમના સાથી કર્મચારીઓ અને પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

PSI બનવાના સપના સાથે પ્રિયંકા આગામી લેખિત પરીક્ષા માટે ગંભીર તૈયારી કરી રહ્યા હતા. દિવસ-રાત મહેનત કરીને તેઓ પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે પ્રયત્નશીલ હતા. પરંતુ અચાનક તેમના આ પગલાંએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. પ્રાથમિક માહિતી મુજબ બનાવ સમયે તેઓ પોતાના ઘરે એકલા હતા અને ત્યાં જ તેમણે ગળેફાંસો ખાઈ લીધો હતો.

ઘટનાની જાણ થતાં જ બાપોદ પોલીસ મથકની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રૂમ બહાર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને ઓળખીતાઓ એકત્ર થયા હતા. સાથી કર્મચારીના આકસ્મિક અવસાનથી પોલીસ વિભાગમાં ભારે ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો.

પ્રિયંકા પ્રજાપતિના સહકર્મચારીઓએ જણાવ્યું હતું કે તેઓ ખુબ જ શાંત સ્વભાવના અને ફરજ પ્રત્યે સમર્પિત પોલીસ કર્મચારી હતા. તેમની મહેનત અને લગનને કારણે તેઓ ભવિષ્યમાં પોલીસ વિભાગમાં ઉચ્ચ સ્થાન સુધી પહોંચશે એવી સૌને આશા હતી. તેથી તેમના આપઘાતના સમાચાર સાંભળતા જ પોલીસ વર્તુળમાં ચકચાર મચી ગઈ હતી.

હાલમાં પ્રિયંકા પ્રજાપતિએ આત્મહત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. શું કોઈ વ્યક્તિગત સમસ્યા, કામનો તણાવ કે અન્ય કોઈ કારણ હતું તે અંગે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. બાપોદ પોલીસ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે અને પરિવારજનો તેમજ નજીકના લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:http://ગુજરાતમાં ફરી ધરા ધ્રૂજી; આ નવું શહેર ભૂકંપના ટાર્ગેટ પર…બે મોટા જિલ્લામાં આંચકાથી લોકોમાં ફફડાટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *