IPL 2025: MS Dhoniએ રચ્યો ઈતિહાસ, મેન ઓફ મેચ એવોર્ડ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો

લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ 11 બોલમાં 26 રનની અણનમ ઇનિંગ રમી અને 3 બોલ બાકી રહેતા પોતાની ટીમને 5 વિકેટથી જીત અપાવી હતી. આ સીઝનમાં ટીમની આ બીજી જીત છે. આ મેચ લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી, જ્યાં લખનઉએ પ્રથમ બેટિંગ કરીને ચેન્નઈને 167 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ધોનીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. તેણે 6 વર્ષ પછી IPLમાં આ એવોર્ડ જીત્યો છે ત્યારબાદ તેણે એક નવો ઇતિહાસ રચ્યો છે.
એમએસ ધોની આઈપીએલના ઇતિહાસમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે. તેણે પ્રવીણ તાંબેનો રેકોર્ડ તોડ્યો, જેમણે 43 વર્ષ અને 60 દિવસની ઉંમરે આ એવોર્ડ જીત્યો હતો. એમએસ ધોનીએ 43 વર્ષ અને 281 દિવસની ઉંમરે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.
આઈપીએલમાં આ એમએસ ધોનીનો 18મો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ છે. 2008માં જ્યારે તેમણે પહેલીવાર આ એવોર્ડ જીત્યો ત્યારે તેમની ઉંમર 25 વર્ષની હતી. આ પહેલા તેમને છેલ્લે 2019માં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે તેઓ 37 વર્ષના હતા.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમને શેખ રશીદ (27) અને આર રવિન્દ્ર (37) એ મજબૂત શરૂઆત અપાવી, પ્રથમ વિકેટ માટે 29 બોલમાં 52 રનની ભાગીદારી કરી. શિવમ દુબેએ પણ છેલ્લી ઓવરોમાં ધોની સાથે સારી બેટિંગ કરી, તેણે 37 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા. એમએસ ધોનીએ ૧૧ બોલમાં ૧ છગ્ગો અને ૪ ચોગ્ગાની મદદથી ૨૬ રન બનાવ્યા, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.
આ પણ વાંચો. Ahmedabad: CMએ ડો. ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદમાં નગરયાત્રાને પ્રસ્થાન કરાવ્યું