PM મોદીના @76મા જન્મદિને 76 મહિલાઓને 76 સ્વસ્થ દેશી ગીર; 76 હજાર દિવડાઓની આરતી, વડનગરથી વારાણસી સુધી બાઈક રેલી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત અને દેશભરમાં વિવિધ જનકલ્યાણકારી, ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાનારા વિશેષ આયોજનોની રૂપરેખા આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પીએમ મોદીના 76મા જન્મદિનને યાદગાર બનાવવા 76 જરૂરિયાતમંદ, આદિવાસી અને BPL પરિવારોની મહિલાઓને 76 સ્વસ્થ દેશી ગીર ગાયોનું દાન કરવામાં આવશે. દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જામનાદાસ પટેલ અને તેમના પરિવાર દ્વારા સંચાલિત સીતાવન ગીર ગૌશાળા દ્વારા આ વિશિષ્ટ પહેલ હાથ ધરાઈ છે. લાભાર્થી મહિલાઓને સન્માનપૂર્વક ઘર સુધી ગાય પહોંચાડવા સાથે પશુ આહાર, રસીકરણ અને આરોગ્ય પ્રમાણપત્ર પણ અપાશે.

વડનગરથી વારાણસી: ‘સેવા સંકલ્પ બાઈક યાત્રા’
ભારતીય જનતા યુવા મોરચા દ્વારા 17 સપ્ટેમ્બરથી 7 ઑક્ટોબર દરમિયાન વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર એમ બંને દિશામાં વિશાળ બાઈક રેલીનું આયોજન કરાયું છે. આ યાત્રામાં 1000 જેટલા કાર્યકરો અને 500 સેવા યાત્રીઓ જોડાશે, જે 50 જિલ્લાઓ, 187 વિરામ સ્થળો અને 88 રાત્રિ રોકાણ દ્વારા યુવાનોને જનસેવાથી જોડશે. વડનગર ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ યાત્રાને પ્રસ્થાન કરાવશે, જ્યારે વારાણસી ખાતેથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લીલી ઝંડી આપશે.17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાશીથી વડનગર માટે સેવા સંકલ્પ બાઈક યાત્રાની શરૂઆત કરવામાં આવશે, જેમાં આશરે 500 સેવા યાત્રીઓ જોડાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, ચિરાગ પાસવાન, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રિજેશ પાઠક અને પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરી સહિત અનેક દિગ્ગજો હાજરી આપશે.

ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 સપ્ટેમ્બરે ગુજરાતમાં ઉપસ્થિત રહી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. જેમાં વડનગર ખાતેથી સેવા સંકલ્પ બાઈક યાત્રાનું ઉદ્ઘાટન. અમદાવાદના પ્રખ્યાત શ્રી જગન્નાથ મંદિરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે વિશેષ આરતી અને કાંકરિયા ખાતે આયોજિત સવા લાખ દીવડા પ્રગટાવવાના વિશેષ પ્રસંગે ખાસ હાજરી આપશે.પ્રધાનમંત્રીના સંસદીય ક્ષેત્ર વારાણસી ખાતે NDAના પ્રમુખ સહયોગીઓ અને કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં ભવ્ય આયોજન કરાયું છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં બાબાનો જલાભિષેક, ડમરૂ વાદન અને પીએમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ ઉમિયાધામ ખાતે આજે રાત્રે 12ના ટકોરે 76,000 દિવડાથી ઝગમગી ઉઠશે!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે વિશ્વ ઉમિયાધામ ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાત્રે 12:00 વાગ્યાના ટકોરે 76,000 દિવડાઓથી આખું પરિસર ઝગમગી ઉઠશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મા ઉમિયાની મહાઆરતી યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વડાપ્રધાનના દીર્ઘાયુ અને અવિરત સ્વાસ્થ્ય માટે મા ઉમિયા સમક્ષ પ્રાર્થના કરશે. મહાઆરતી સાથે જ 150 Gen Z યુવાનોના નેતૃત્વ હેઠળ 5,000થી વધુ શ્રદ્ધાળુઓ એકસાથે ‘વંદે માતરમ’નું ગાન કરશે. આ ઐતિહાસિક અને ભક્તિમય ક્ષણના સાક્ષી બનવા માટે નાગરિકો રાત્રે સરળતાથી પહોંચી શકે તે માટે AMTS દ્વારા 100 થી વધુ ખાસ બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *