ઑફિસ જવાનું કહી અભયને મળવા હોટલ પહોંચી માનસી, પપ્પાને કર્યો મેસેજ, ઝેરી દવા પી ટૂંકાવ્યું જીવન

પરિવારની સંમતિ મળ્યા બાદ પણ સામાજિક લગ્નની તારીખ નક્કી ન થતાં માનસિક તણાવમાં આવેલા યુવાન દંપતીએ આકરું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાથી બંને પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઝેર પીતા પહેલાં બંનેએ પરિવારજનોને લાગણીસભર અંતિમ સંદેશાઓ પણ મોકલ્યા હતા, જેને વાંચીને પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

સરથાણા વિસ્તારમાં આવેલી એક હોટેલના રૂમમાં 23 વર્ષીય માનસી ઉમરેટીયા અને 23 વર્ષીય અભય ત્રાડાએ ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન માનસીનું મોત થયું હતું, જ્યારે ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા અભયે પણ બીજા દિવસે અંતિમ શ્વાસ લીધા હતા.

માહિતી મુજબ માનસી રોજની જેમ સવારે ઘરેથી નોકરી પર જવા નીકળી હતી. જોકે તે અભયને મળવા હોટેલ પહોંચી હતી. બંનેએ રૂમમાં જઈ ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં હોટેલ સ્ટાફે પોલીસ અને પરિવારજનોને જાણ કરી હતી.

આપઘાત પહેલાં બંનેએ પોતાના પરિવારજનોને મોબાઇલ પર ભાવુક સંદેશા મોકલ્યા હતા. માનસીએ તેના પિતાને મેસેજ કરીને માતાની સંભાળ રાખવા વિનંતી કરી હતી અને પ્રેમ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ અભયે તેના ભાઈને મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું કે સામાજિક લગ્નની તારીખ નક્કી ન થતાં તેઓ આ પગલું ભરી રહ્યા છે અને તેમાં કોઈને જવાબદાર ન ગણવા વિનંતી કરી હતી.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે માનસી અને અભય લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા. બંનેએ લગભગ બે વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ બંને પરિવારો પણ સંબંધ માટે રાજી થયા હતા અને દોઢ વર્ષ પહેલાં સગાઈ પણ કરવામાં આવી હતી. જ્ઞાતિ પ્રમાણે સામાજિક લગ્ન યોજાવાના હતા, પરંતુ તારીખ નક્કી થવામાં વિલંબ થતાં બંને ચિંતામાં હતા.

માનસી છેલ્લા કેટલાક મહિનાથી પ્રોપર્ટી સંબંધિત ઓફિસમાં નોકરી કરતી હતી. તેના પિતા વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે અભય મકાન દલાલીનું કામ કરતો હતો અને તેનો પરિવાર પણ સામાન્ય જીવન જીવતો હતો. બંને પરિવારો વચ્ચે અગાઉથી ઓળખાણ અને સંબંધો સારા હોવાનું જાણવા મળ્યું છે.ઘટના બાદ સરથાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. યુગલના મોતથી પરિવારજનો ઉપરાંત સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પોલીસે ઘટનાના તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *