મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો…

બોલીવુડની માયાનગરી મુંબઈમાં ફરી એકવાર ગોળીઓના અવાજથી સનસનાટી મચી ગઈ છે. જાણીતા અભિનેતા ટાઈગર શ્રોફ પર મુંબઈના પોશ વિસ્તાર ગણાતા જુહુમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
રવિવારે સાંજે ટાઈગર શ્રોફ જ્યારે એક ફૂટબોલ ગ્રાઉન્ડમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે આ ભયાનક ઘટના બની હતી. મોટરસાઈકલ પર આવેલા 3 અજાણ્યા શખ્સોએ અચાનક તેમની કાર પાસે આવીને ધડાધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સદનસીબે આ હુમલામાં ટાઈગર શ્રોફનો આબાદ બચાવ થયો છે અને તેમને કોઈ ઈજા પહોંચી નથી.
જોકે, આ અણધાર્યા હુમલામાં ટાઈગર શ્રોફના ડ્રાઈવરને હાથના ભાગે ગોળી વાગી છે, જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હુમલાખોરો ફાયરિંગ કર્યા બાદ તરત જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હવે આ સમગ્ર ઘટનાની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાનો દાવો સામે આવ્યો છે.
બિશ્નોઈ ગેંગની ખુલ્લી ધમકી અને ઓડિયો ક્લિપ
હુમલાના થોડા સમય બાદ જ સોશિયલ મીડિયા પર એક ઓડિયો ફાઈલ વાયરલ થઈ છે. આ ક્લિપમાં બોલનારી વ્યક્તિ પોતાની ઓળખ અનિલ પંડિત તરીકે આપે છે અને તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો પ્રતિનિધિ હોવાનો દાવો કરે છે. તેણે એક પોસ્ટ અને ઓડિયો દ્વારા આ હુમલાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે.
આ ઓડિયો મેસેજમાં ખૂબ જ ચોંકાવનારી વાતો કહેવામાં આવી છે. અનિલ પંડિતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ટાઈગર શ્રોફને એટલા માટે નિશાન બનાવવામાં આવ્યો કારણ કે તેણે ગેંગની ચેતવણીઓને ગંભીરતાથી લીધી ન હતી. ગેંગે તેને સલમાન ખાન સાથે કામ ન કરવાની અગાઉથી સૂચના આપી હતી.
આ ક્લિપમાં બોલીવુડના અન્ય કલાકારો અને નિર્માતાઓ માટે પણ ખુલ્લી ધમકી આપવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે, “ફિલ્મ ઉદ્યોગમાં જે કોઈ પણ અમારાથી અલગ ચાલીને કામ કરશે અથવા સલમાન ખાન સાથે કામ કરશે, અમે તેને સીધો મારી નાખીશું. આ અમારી પહેલી અને છેલ્લી ચેતવણી છે.”
‘અમે અગાઉ ફોન કરીને સમજાવ્યો હતો…’
સલમાન ખાન પર સીધું નિશાન સાધતા આ શખ્સે ઓડિયોમાં વધુમાં જણાવ્યું છે કે, “સલમાન ખાન દાઉદ ઈબ્રાહિમનો કૂતરો છે, અને અમે અમારા ઘરે દાઉદ નામનો કૂતરો પાળ્યો છે.” આ ઉશ્કેરણીજનક શબ્દો દર્શાવે છે કે બિશ્નોઈ ગેંગ સલમાન ખાન અને તેની સાથે જોડાયેલા લોકો પર કેટલી હદે ગુસ્સે ભરાયેલી છે.
ટાઈગર શ્રોફ વિશે વાત કરતા આ મેસેજમાં જણાવાયું છે કે, “અમે તેને પહેલાં ફોન કરીને ખૂબ સમજાવ્યો હતો, પરંતુ તે અમારી વાત સમજી શક્યો નહીં. તેથી આજે અમે તેને અમારી ભાષામાં ગોળીબાર કરીને યોગ્ય રીતે સમજાવી દીધું છે.”હાલમાં મુંબઈ પોલીસ આ સમગ્ર મામલાની ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી રહી છે. હુમલાખોરો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા, તે જાણવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ એકઠા કરવાનું શરૂ કરી દીધું છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું ટાઈગર શ્રોફને અગાઉ કોઈ ખંડણી માટે ફોન આવ્યો હતો કે કેમ. આ હાઈ-પ્રોફાઈલ હુમલાએ મુંબઈની કાયદો અને વ્યવસ્થા પર ફરી એકવાર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરી દીધા છે.