AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

અમદાવાદવાસીઓ માટે એક મોટા અને મહત્વના સમાચાર છે. તમે જે રેસ્ટોરન્ટમાં હોંશે હોંશે જમવા જાવ છો, તેના રસોડામાં ખરેખર કેટલી સ્વચ્છતા છે તે હવે તમે જાતે જ જોઈ શકશો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય અને ફૂડ વિભાગે ફૂડ સેફ્ટીને લઈને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.
AMC દ્વારા શહેરની 11,123 જેટલી રેસ્ટોરન્ટ્સ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને ઈ-મેઈલ મોકલીને જાણ કરવામાં આવી છે અને કડક આદેશ આપ્યો છે કે, હવે આ તમામ ખાદ્ય એકમોએ પોતાના રસોડામાં (કિચનમાં) ફરજિયાત સીસીટીવી (CCTV) કેમેરા લગાવવા પડશે. માત્ર કેમેરા લગાવવાના જ નથી, પરંતુ તેનું લાઈવ સ્ટ્રીમિંગ (પ્રસારણ) રિસેપ્શન અથવા ગ્રાહકોની બેઠક વ્યવસ્થા હોય ત્યાં સ્ક્રીન પર બતાવવાનું રહેશે. આનાથી ગ્રાહકો સીધા જ રસોડાની સ્વચ્છતા અને કામગીરી જોઈ શકશે.
FSSAI ના આ નિયમોનું કરવું પડશે ચુસ્ત પાલન
ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે આ અંગે વિગતે માહિતી આપતા જણાવ્યું હતું કે, Food Safety and Standards Act, 2006 અને FSSAI ની ગાઈડલાઈન્સ મુજબ દરેક હોટલ-રેસ્ટોરન્ટે નિયમો પાળવા જ પડશે. જેમાં મુખ્યત્વે:
રસોડાની સંપૂર્ણ સ્વચ્છતા.
રસોઈ બનાવનાર (ફૂડ હેન્ડલર્સ) સ્ટાફની વ્યક્તિગત હાઈજીન.
કાચા અને રાંધેલા ખોરાકનું અલગ-અલગ સ્ટોરેજ.
રસોઈ બનાવવા અને પીવા માટે એકદમ સલામત (શુદ્ધ) પાણીનો ઉપયોગ.
નિયમિત પેસ્ટ કંટ્રોલ અને કચરાનો યોગ્ય રીતે નિકાલ.
ખાદ્ય પદાર્થોને ધૂળ, જીવાત કે અન્ય રીતે દૂષિત થતા બચાવવા.
માત્ર સરકાર માન્ય નિર્ધારિત ફૂડ કલર વાપરવા અને રસોઈમાં ખાવાના તેલનો યોગ્ય અને પ્રમાણસર ઉપયોગ કરવો.
AMC નું મેગા ચેકિંગ: ગંદકી અને જીવાત મળતા 5 એકમો સીલ
આ નિયમોના પાલનની ચકાસણી કરવા માટે 19 ઓગસ્ટના રોજ AMC ની ટીમે ધાડા પાડ્યા હતા. ચેકિંગ દરમિયાન ભયંકર અસ્વચ્છતા, ભેળસેળ અને FSSAI ના નિયમોના ઉલ્લંઘન બદલ કોલેજ કેન્ટીન સહિત 5 જાણીતા એકમો સીલ કરવામાં આવ્યા છે:
મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજની કેન્ટીન (સૈજપુર બોઘા): અહીં ચાલતા ‘RKR કેટરર્સ’ પાસે FSSAI નું લાયસન્સ જ નહોતું. અંદર તપાસ કરતા ભારે ગંદકી જોવા મળી અને ખાદ્ય પદાર્થોમાં કીડી-ધનેરા જેવી જીવાતો ફરતી જોવા મળતાં કોર્પોરેશને કેન્ટીન તાત્કાલિક સીલ કરી દીધી હતી.
મેડ ઓવર ગ્રીલ – Mad Over Grills (મણિનગર): મણિનગર વિસ્તારમાં આવેલા આ એકમના સ્ટોર રૂમમાં તપાસ કરતા, પીપડામાં ભરી રાખેલા મેંદામાંથી જીવતી જીવાતો મળી આવી હતી. આથી આ એકમને સીલ મારવામાં આવ્યું છે.
સંતોષ ઘી (માધુપુરા): માધુપુરા વિસ્તારમાં આવેલા આ એકમમાં ઘીના નામે મોટી ભેળસેળ ઝડપાઈ. અહીંથી વનસ્પતિ ઘી મળી આવતાં એકમને સીલ કરાયું છે.સમ્રાટ બેકરી (બહેરામપુર) અને સબરુ ચાઈનીઝ મોકલાઈ એન્ડ તવા ફ્રાય (સરખેજ): આ બંને ખાદ્ય એકમોમાં તપાસ કરતા FSSAI લાયસન્સનો જ અભાવ હતો. ઉપરાંત, અહીં ભારે ગંદકી હતી અને ત્યાં કામ કરતા કારીગરોના મેડિકલ રિપોર્ટ કે પાણીના ટેસ્ટિંગ રિપોર્ટ પણ ન હોવાથી આ બંને એકમોને બંધ કરાવી દેવામાં આવ્યા છે.
નિયમ તોડ્યા તો લાયસન્સ થશે રદ
ફૂડ વિભાગે તમામ સંચાલકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો કોઈ પણ એકમ બેદરકારી દાખવશે કે નિયમોનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસરની આકરી કાર્યવાહી કરાશે. જે કિસ્સાઓમાં ગંભીર ભૂલો જણાશે અથવા વારંવાર નિયમો તોડવામાં આવશે, તો તેવા એકમોનું લાયસન્સ કાયમ માટે રદ કરીને એકમને સીલ કરી દેવામાં આવશે.