CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- ‘એક મહિનાથી સરકાર….’

અભિજીત દીપકની કોકરોચ જનતા પાર્ટી (CJP) એ ફરી એકવાર દિલ્હીમાં આંદોલનના મંડાણ કરવાની મોટી જાહેરાત કરી છે. આગામી 5 સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયા ગેટથી શરૂ થઈને નવી દિલ્હી પોલીસ હેડક્વાર્ટર સુધી એક શાંતિપૂર્ણ કૂચ યોજાશે. પાર્ટીનો સીધો આરોપ છે કે કેન્દ્ર સરકારે 25 જુલાઈના રોજ દેશના યુવાનોને જે વચનો આપ્યા હતા, તે પૂરા કરવામાં તે સદંતર નિષ્ફળ રહી છે.
આ કૂચની આગેવાની એવા વિદ્યાર્થીઓના પરિવારો કરશે જેમણે NEET પરીક્ષાના વિવાદમાં પોતાનો જીવ ગુમાવ્યો છે, અને સાથે જ પોલીસની બર્બરતાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાશે. આખા દેશમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવા સંગઠનો અને સામાન્ય નાગરિકો આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લે તેવી પૂરી અપેક્ષા છે.
શા માટે CJP એ ફરીથી કૂચનું શસ્ત્ર ઉગામ્યું?
CJP ના સહ-સંયોજક સૌરવ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પાર્ટીનું સત્તાવાર નિવેદન શેર કર્યું છે. આ નિવેદન મુજબ:
CJP ની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં 25 જુલાઈ, 2026 ના રોજ સરકાર અને NDA શાસિત રાજ્યો દ્વારા યુવાનોને અપાયેલા વચનોની સમીક્ષા કરવામાં આવી.
આ જ વચનો પર વિશ્વાસ રાખીને અગાઉ દેશવ્યાપી યુવા આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું.
પરંતુ હવે સમિતિને સરકારની દાનત પર ગંભીર શંકા છે કે શું સરકાર ખરેખર પોતાનું વચન પાળવા માંગે છે ખરી?
‘સરકાર માત્ર બહાના કાઢી રહી છે’
પાર્ટીએ આક્રોશ ઠાલવતા સ્પષ્ટ કહ્યું છે કે, છેલ્લા એક મહિનાથી સરકાર આપેલા વચનો પૂરા કરવાને બદલે માત્ર સમય પસાર કરી રહી છે. તેઓ ટેકનિકલ બહાનાઓ આગળ ધરી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ સ્પષ્ટ વાત કરવાનું ટાળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 18 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે દેશભરમાં નોંધાયેલી FIR ની યાદી માંગી હતી, જેથી કોર્ટ તેને સામૂહિક રીતે રદ કરવા પર વિચાર કરી શકે. આનાથી સરકાર માટે વચન પાળવું સાવ સરળ બની ગયું હોત, તેમ છતાં સરકારે સ્પષ્ટ વચન આપવાનો ઇનકાર કર્યો હતો. હજુ સુધી CJP ને સરકાર તરફથી કોઈ લેખિત ખાતરી મળી નથી.
“અમારી ધીરજને નબળાઈ ન સમજો”
પાર્ટીએ સરકારને સીધી ચેતવણી આપતા કહ્યું છે કે, “હવે આ પરિસ્થિતિ વધુ સમય ન ચાલી શકે. અમારી ધીરજને નબળાઈ સમજવાની ભૂલ ન કરવી જોઈએ. સરકાર અમારી સદ્ભાવનાનો ગેરલાભ ઉઠાવીને અમને છેતરી ન શકે.” આ જ કારણસર રાષ્ટ્રીય કાર્યકારી સમિતિએ સર્વાનુમતે 5 સપ્ટેમ્બર, 2026 ના રોજ દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે.
નોંધનીય છે કે NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓના લાંબા વિરોધ બાદ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ CJP એ કેટલીક શરતો સાથે આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી. તેમાં સૌથી મુખ્ય શરત એ હતી કે વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર નોંધાયેલી તમામ FIR પાછી ખેંચવામાં આવે. પરંતુ CJP નું કહેવું છે કે સરકારે હજુ સુધી આ તમામ કેસ પાછા ખેંચ્યા નથી.