પાણી પીતા રહો, બાળકો-વૃદ્ધો, પ્રાણીઓ અને પક્ષીઓનું ખાસ ધ્યાન રાખો…ગરમી વચ્ચે PM મોદીએ શું કહ્યું ?

 દેશભરમાં વધતી જતી ગરમી વચ્ચે PM મોદીએ દેશવાસીઓને સાવચેત રહેવાની અને એકબીજાની મદદ કરવાની અપીલ કરી છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં તાપમાન સતત વધી રહ્યું છે, જેના કારણે સામાન્ય જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. ભારે ગરમીના કારણે લોકો માટે બપોરના સમયે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે, જ્યારે હોસ્પિટલોમાં પણ હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના દર્દીઓની સંખ્યા વધી રહી છે.

વડાપ્રધાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લોકોને વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, ઘરની બહાર નીકળતી વખતે હંમેશા પાણી સાથે રાખવું જોઈએ અને શરીરમાં પાણીની ઉણપ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાથે જ તેમણે લોકોને તરસ્યા લોકોને પાણી પીવડાવવા અને ઘરો તથા દુકાનોની બહાર પાણીના માટલાં અથવા ઘડા રાખવાની પણ અપીલ કરી હતી.

PM મોદીએ જણાવ્યું કે, તીવ્ર ગરમી દરમિયાન ચક્કર આવવું, ઉબકા થવા, વધારે થાક લાગવો અથવા અચાનક બેભાન થઈ જવું જેવા લક્ષણોને અવગણવા ન જોઈએ. જો કોઈ વ્યક્તિ અસ્વસ્થ જણાય તો તેને તરત જ ઠંડી અને છાંયડાવાળી જગ્યાએ લઈ જઈ પાણી, ORS અથવા અન્ય પ્રવાહી આપવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે સમયસરની સાવચેતી કોઈનો જીવ બચાવી શકે છે.

વડાપ્રધાને ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને તડકામાં કામ કરતા લોકોની કાળજી લેવા પર ભાર મૂક્યો હતો. તેમણે લોકોને પોતાના પરિવારના વડીલો તેમજ આસપાસ રહેતા વૃદ્ધોની સમયાંતરે ખબર લેવા અને તેમને પૂરતું પાણી પીવા તથા બપોરના તડકામાં બહાર ન જવા માટે સમજાવવાની અપીલ કરી હતી.આ સાથે PM મોદીએ પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ સંવેદના દર્શાવવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે ઘરની બાલ્કની, ટેરેસ, દુકાન અથવા ઓફિસની બહાર પાણીના નાના વાસણ રાખવાથી તરસ્યા પક્ષીઓ અને પ્રાણીઓને રાહત મળી શકે છે. કાળઝાળ ગરમીમાં માનવતા અને કરુણા સાથે વર્તવાની પણ તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી કરતા શખ્સો વિરૂદ્ધ કડક પગલાં લેવા CMનો આદેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *