મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત ગેસે CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.3.75નો વધારો કર્યો છે. અગાઉ રૂ.85 પ્રતિ કિલોના ભાવે મળતો CNG હવે રૂ.88.76 પ્રતિ કિલોના ભાવે મળશે. ગુજરાત ગેસ દ્વારા આજથી જ CNGના નવા ભાવ લાગુ કરવામાં આવ્યા છે. મોંઘવારી વચ્ચે ગુજરાતના વાહનચાલકોને વધુ એક આંચકો લાગ્યો છે. ગુજરાત ગેસ કંપની લિમિટેડે CNGના ભાવમાં પ્રતિ કિલો 3.75 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવવધારા બાદ ગુજરાત ગેસના CNGનો નવો દર પ્રતિ કિલો 88.76 રૂપિયા થઈ ગયો છે. અગાઉ ગ્રાહકોને CNG માટે પ્રતિ કિલો રૂ.85.01 ચૂકવવા પડતા હતા. કંપનીના નવા દર સોમવારની મધરાત બાદ અમલમાં આવ્યા છે. ગુજરાત ગેસના સત્તાવાર પોર્ટલ પર CNGના ભાવ ચકાસવાની સુવિધા ઉપલબ્ધ છે.

CNGના વધેલા દરને કારણે ખાસ કરીને રોજિંદા વાહનનો ઉપયોગ કરતા લોકોના ખર્ચમાં વધારો થશે. પેટ્રોલ-ડીઝલના મુકાબલે ઓછા ખર્ચના વિકલ્પ તરીકે CNG વાહનો પસંદ કરનારા ગ્રાહકોને હવે ઇંધણ પાછળ અગાઉ કરતાં વધુ રકમ ચૂકવવી પડશે. મહત્વની વાત એ છે કે ટૂંકા ગાળામાં CNGના ભાવમાં આ બીજો વધારો હોવાનું સામે આવ્યું છે. સતત વધતા ઇંધણ ખર્ચને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના વાહનચાલકોના માસિક બજેટ પર તેની સીધી અસર જોવા મળી શકે છે. CNGના ભાવવધારાની સૌથી સીધી અસર ઓટો રિક્ષા અને CNG આધારિત નાના કોમર્શિયલ વાહનો ચલાવતા લોકોને થવાની છે. 

પેટ્રોલ અને ડીઝલના ખર્ચથી બચવા માટે અનેક લોકો CNG વાહનો તરફ વળ્યા હતા. જોકે હવે CNGના દરમાં વારંવાર થતા વધારાને કારણે આર્થિક બચતનો હિસાબ ફરીથી કરવો પડી રહ્યો છે.

ભાવવધારા પાછળના કારણો શું?

CNGના ભાવ નક્કી કરવામાં કુદરતી ગેસની કિંમત ઉપરાંત ગેસના પુરવઠા, પરિવહન અને અન્ય સંબંધિત ખર્ચ જેવા પરિબળોની અસર રહે છે. ગેસ વિતરણ કંપનીઓના ખર્ચમાં ફેરફાર થાય ત્યારે તેની અસર ગ્રાહકોને મળતા અંતિમ ભાવ પર પડી શકે છે. લોજિસ્ટિક્સ અને ડિલિવરી વાહનોમાં વપરાતા સીએનજીના ભાવ વધવાથી શાકભાજી, દૂધ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના સ્થાનિક પરિવહન ખર્ચમાં પણ વધારો થવાની સંભાવના છે, જે આખરે છૂટક મોંઘવારીને વેગ આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *