લેબનોનના આ વિસ્તારો પર ઈઝરાયલનો કબજો !, IDFએ પ્રથમવાર જાહેર કર્યો કબજો

ઇઝરાયલ અને લેબનોન યુદ્ધવિરામ માટે સંમત થયા પછી લડાઈ અસ્થાયી રૂપે બંધ થઈ ગઈ છે. દરમિયાન ઇઝરાયલી સેનાએ પહેલી વાર એક નકશો બહાર પાડ્યો છે, જેમાં તેણે લેબનોનના કયા વિસ્તારો પર કબજો કર્યો છે તે દર્શાવવામાં આવ્યું છે. આ નકશામાં બતાવવામાં આવ્યું છે કે સરહદ નજીક ડઝનબંધ ત્યજી દેવાયેલા લેબનોના ગામો તેના નિયંત્રણમાં આવી ગયા છે. નકશામાં દર્શાવેલ ડિપ્લોયમેન્ટ લાઈન પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલી છે અને સરહદથી લેબનીઝ પ્રદેશ સુધી 5-10 કિલોમીટર સુધી ફેલાયેલી છે. ઇઝરાયલ અહીં બફર ઝોન બનાવવાની યોજના બનાવી રહ્યું છે.
ઇઝરાયલી સેનાએ આ વિસ્તારમાં લેબનીઝ ગામોનો નાશ કર્યો છે. તેનો ઉદ્દેશ્ય ઉત્તરી ઇઝરાયલી શહેરોને હિઝબુલ્લાહના હુમલાઓથી બચાવવાનો છે. ઇઝરાયલે સીરિયા અને ગાઝામાં પણ સમાન બફર ઝોન સ્થાપિત કર્યા છે, જ્યાં તે મોટા વિસ્તારને નિયંત્રિત કરે છે. ઇઝરાયલી સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઇઝરાયલી નૌકાદળ દળો સાથે પાંચ ડિવિઝન દક્ષિણ લેબનોનમાં સાથે મળીને કાર્યરત છે. તેનો ઉદ્દેશ્ય હિઝબુલ્લાહના આતંકવાદી માળખાને નષ્ટ કરવાનો અને ઉત્તરી ઇઝરાયલના લોકોને સીધા ખતરાને રોકવાનો છે.”

જ્યારે પૂછવામાં આવ્યું કે શું ઇઝરાયલી હુમલાઓને કારણે ઘર છોડીને ભાગી ગયેલા લોકોને પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે, ત્યારે IDF એ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન કાત્ઝે જણાવ્યું હતું કે સરહદ પર હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા ઘરોને તોડી પાડવામાં આવશે. આપણા સૈનિકો માટે ખતરો ઉભો કરતા કોઈપણ માળખા અને વિસ્ફોટકોનો તાત્કાલિક નાશ કરવામાં આવશે. ઇઝરાયલના નિર્ણય અંગે લેબનીઝ સરકારી અધિકારીઓ કે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. નોંધનીય છે કે ઇઝરાયલ અને લેબનોન અમેરિકાના કહેવાથી યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. ત્યારબાદ બંને દેશોના પ્રતિનિધિઓ અમેરિકામાં મળ્યા હતા.
હિઝબુલ્લાહે જણાવ્યું છે કે યુદ્ધવિરામ ટકશે કે નહીં તે ઇઝરાયલના વલણ પર નિર્ભર રહેશે. પાકિસ્તાન અને ઈરાને પણ કહ્યું છે કે અમેરિકા સાથે શાંતિ વાટાઘાટો પહેલાં લેબનોનમાં શાંતિ જરૂરી છે. દરમિયાન, અમેરિકા-ઈરાન વાટાઘાટોના સંભવિત બીજા રાઉન્ડની તૈયારીઓ ઝડપી થઈ ગઈ છે. જોકે, પરમાણુ સંવર્ધનનો મુદ્દો હજુ પણ વણઉકેલાયેલો છે.