ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો

ગુજરાત સરકારે રાજ્યની જાહેર વિતરણ પ્રણાલી (PDS) ને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, અંત્યોદય અન્ન યોજના (AAY) અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ (PHH) હેઠળ ગરીબ પરિવારોને ઘઉં અને ચોખાનું વિતરણ કરતા વાજબી ભાવની દુકાન (રેશનિંગ) ના સંચાલકોના કમિશનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના હજારો સંચાલકોને સીધી આર્થિક રાહત મળશે અને અનાજ વિતરણની પ્રક્રિયા વધુ વેગવાન બનશે.
અગાઉ વાજબી ભાવની દુકાન ચલાવતા સંચાલકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો- 2013 હેઠળ અનાજના વિતરણ પર પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયાનું કમિશન મળતું હતું. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ઠરાવ મુજબ, હવે આ કમિશનમાં 35 રૂપિયાનો સીધો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, હવેથી સંચાલકોને પ્રતિ ક્વિન્ટલ 185 રૂપિયા લેખે કમિશન ચૂકવવામાં આવશે. આ નવા દરોનો અમલ 1 એપ્રિલ 2026 થી કરવામાં આવશે, જેનાથી રાજ્યની 17,000 થી વધુ વાજબી ભાવની દુકાનોના સંચાલકોને સીધો ફાયદો થશે.