અમદાવાદ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારોને 2 લાખ અને ઇજાગ્રસ્તોને ₹50 હજાર આર્થિક સહાયની જાહેરાત

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી ભીષણ આગની કમકમાટીભરી દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડી સંવેદના અને દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) ના સત્તાવાર ‘X’ હેન્ડલ પર આ દુર્ઘટના અંગે એક શોક સંદેશ જાહેર કરવામાં આવ્યો છે. PMO દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, “…દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર પ્રભાવિત લોકોને તમામ સંભવિત સહાય પૂરી પાડી રહ્યું છે.”
વડાપ્રધાને આ કાળજું કંપાવનારી ઘટનામાં જીવ ગુમાવનારા અને ભોગ બનનારા લોકો માટે આર્થિક પેકેજની પણ જાહેરાત કરી છે. પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ (PMNRF) માંથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીને (વારસદારોને) ₹૨ લાખની એક્સ-ગ્રેસિયા (સહાય રાશિ) આપવામાં આવશે. આ ઉપરાંત, આ ભયાનક આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા અને ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને ₹ 50,000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં શનિવારે બપોરે એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ભયાનક અકસ્માતમાં 8થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત થયા હોવાની આશંકા છે, જ્યારે 15 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.