આખરે કેરળના નવા મુખ્યમંત્રીના નામની કરવામાં આવી જાહેરાત, જાણો કોંગ્રેસે કયા દિગ્ગજ નેતાની કરી પસંદગી

4 મેના રોજ કેરળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યાના લગભગ 10 દિવસ બાદ આજે (14 મે) કોંગ્રેસે પોતાના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી છે. વી.ડી. સતીશન કેરળના આગામી મુખ્યમંત્રી હશે. દિલ્હીમાં કોંગ્રેસના ટોચના નેતાઓની એક હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા. આ બેઠક બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે 14 મેના રોજ સીએમના નામની જાહેરાત કરવામાં આવી.

140 સભ્યોની કેરળ વિધાનસભામાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDF એ 102 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી હતી. તેમ છતાં, મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લેવામાં વિલંબ થતા સવાલો ઉભા થવા લાગ્યા હતા. ત્યાં સુધી કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સની જોસેફે પણ સ્વીકાર્યું કે આ વિલંબથી જીતની ચમક ફીકી પડી છે.અગાઉ મુખ્યમંત્રીના નામની જાહેરાતમાં વિલંબ થવા પર જ્યાં વિરોધીઓએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો, ત્યાં પાર્ટીમાં પણ નારાજગી જોવા મળી હતી. વાયનાડમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પાસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બંને નેતાઓ કે.સી. વેણુગોપાલને કેરળના મુખ્યમંત્રી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે રાજ્યમાં તેમની વિરુદ્ધ વાતાવરણ છે.

પોસ્ટરોમાં લખવામાં આવ્યું હતું કે, ‘કેરળ તમને ક્યારેય માફ નહીં કરે.‘ અન્ય એક પોસ્ટરમાં લખ્યું હતું, ‘વાયનાડ બીજું અમેઠી બની જશે.’ આ ટિપ્પણી 2019માં અમેઠી લોકસભા બેઠક પર રાહુલ ગાંધીની હાર તરફ ઈશારો કરે છે. વાયનાડ ક્યારેક રાહુલ ગાંધીનો સૌથી સુરક્ષિત રાજકીય વિસ્તાર માનવામાં આવતો હતો અને હવે અહીંથી પ્રિયંકા ગાંધી સાંસદ છે. આવી સ્થિતિમાં, આ જ વિસ્તારમાંથી ઉઠી રહેલો વિરોધ ગાંધી પરિવાર માટે મોટો રાજકીય સંદેશ માનવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *