અમેરિકાની ધમકી છતાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાતનો રેકોર્ડ તોડ્યો, કુલ ખરીદી 50 ટકાને પાર

ભારતે અમેરિકાની ટેરિફની ધમકી છતાં રશિયા પાસેથી જુલાઈ મહિનામાં વિક્રમજનક ક્રૂડ ઓઇલની આયાત કરી છે. ભારતની જુલાઈમાં ક્રૂડ ઓઇલની કુલ આયાત પ્રતિ દિન લગભગ 50 લાખ બેરલ હતી, તેમાંથી રશિયા પાસેથી પ્રતિ દિન 27 થી 28 લાખ બેરલની આયાત કરવામાં આવી હતી. આમ, પહેલી વખત ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી 50 ટકાને વટાવી ગઈ છે.

ભારતને ક્રૂડ ઓઇલનો પુરવઠો પૂરો પાડવામાં યુએઈ અને સાઉદી અરેબિયા અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે આવે છે, પરંતુ બંનેનો સંયુક્ત પુરવઠો પણ રશિયા કરતાં ઓછો છે. ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાતમાં વધારો નિર્ણાયક તબક્કે થયો છે. એક બાજુ અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ખરીદનારા પર 100 ટકા ટેરિફ લાદવા આગળ વધી રહ્યું છે, તો તે જ સમયે ભારતે રશિયા પાસેથી જંગી પ્રમાણમાં આયાત ચાલુ રાખી છે.

વ્યૂહરચના અને આર્થિક ફાયદો

કેપ્ચર સિનિયર રિસર્ચ એનાલિસ્ટ નિખિલ દુબેએ જણાવ્યું હતું કે ભારતની ઉર્જા સ્ત્રોતોનું વૈવિધ્વીકરણ કરવાની વ્યૂહરચના સફળ રહી છે. તેના કારણે રીફાઇનરોએ વિપરીત ભૂરાજકીય સ્થિતિમાં પણ નિયમિત ધોરણે વીજ પુરવઠો અને ઓઇલ જાળવી રાખ્યું છે. રશિયા દ્વારા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવવાથી ભારતના રાજકોષીય ખાધને પણ અંકુશમાં રાખવામાં મોટી મદદ મળી છે. પશ્ચિમ એશિયાની નિકાસ પર મુશ્કેલીના વાદળો મંડરાયા છે ત્યારે રશિયા ભારત માટે વિશ્વસનીય પુરવઠાકાર તરીકે ઉભરી આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *