AMCની સામાન્ય સભામાં કમિટીઓના પદાધિકારીઓની જાહેરાત, મેયર હિતેશ બારોટે ચાલુ સભામાં કરી ટકોર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય સભામાં આજે વિવિધ મહત્વપૂર્ણ કમિટીઓ માટે નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. સામાન્ય સભા પહેલા યોજાયેલી સત્તા પક્ષની બેઠકમાં શહેર પ્રમુખ પ્રેરક શાહ અને મેયર હિતેશ બારોટની ઉપસ્થિતિમાં વિવિધ કમિટીઓના ચેરમેન અને સભ્યોના નામ પર મંજૂરી આપવામાં આવી હતી.

શહેરના વિકાસ, પાણી પુરવઠો, આરોગ્ય, પરિવહન અને શહેરી આયોજન જેવા અગત્યના વિભાગોમાં આગામી સમયની કામગીરીને ધ્યાનમાં રાખીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની જવાબદારી જૈનિક વકીલને આપવામાં આવી છે જ્યારે વોટર કમિટીના ચેરમેન તરીકે ધરમશી દેસાઈની પસંદગી કરવામાં આવી છે. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીની જવાબદારી દિપક પંચાલને સોંપાઈ છે. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે ભાગ્યેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત રેવન્યુ કમિટીના ચેરમેન તરીકે મુકેશ પટેલ, લીગલ કમિટીના ચેરમેન તરીકે વિપુલ પટેલ, મહિલા અને બાળ વિકાસ કમિટીમાં ડિમ્પલ વરિંદાય, હોસ્પિટલ કમિટીમાં ડૉ. ચાંદની પટેલ, રિક્રીએશન કમિટીમાં જીતુભાઈ ખર્ચરીયા અને AMTS કમિટીમાં પરાગ નાયકને જવાબદારી સોંપવામાં આવી છે.

સામાન્ય સભા દરમિયાન એક રસપ્રદ ઘટના પણ સામે આવી હતી. સભાની શરૂઆતમાં વંદે માતરમ દરમિયાન મોબાઈલ ફોનની રિંગ વાગતા મેયર હિતેશ બારોટે સભ્યોને કડક શબ્દોમાં ટકોર કરી હતી. તેમણે કોર્પોરેટરોને સૂચના આપી હતી કે સભા દરમિયાન મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ અને ચર્ચા દરમિયાન સંપૂર્ણ ધ્યાન પ્રજાના મુદ્દાઓ પર કેન્દ્રિત કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *