અમિત શાહના એક આદેશથી ગુજરાતભરમાં ઘૂસણખોરો સામે તવાઇ, રૂપિયા પહોંચતા બાંગ્લાદેશ

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરવા માટે ‘ડેલ્ટા હન્ટ ઓપરેશન’ શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી અને શહેરભરમાં અલગ-અલગ ટીમો બનાવી વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આખી રાત તપાસ ચલાવી હતી. આ દરમિયાન અનેક સ્થળોએ દરોડા પાડીને શંકાસ્પદ લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

અમદાવાદમાં ગેરકાયદેસર ઘૂસણખોરી સામે ક્રાઈમ બ્રાન્ચે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 130થી વધુ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે, જે છેલ્લા ઘણા સમયથી શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ કાર્યવાહી માટે ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમો બનાવી આખી રાત ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ ચલાવ્યું હતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 130 થી વધુ બાંગ્લાદેશીઓને પકડયા અમદાવાદના JCP શરદ સિંઘલે જણાવ્યું હતું કે લેટ નાઇટ ઓપરેશન દરમિયાન કુલ 291 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. તેમની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી દરમિયાન 166 લોકો બાંગ્લાદેશી નાગરિકો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો ખોટા દસ્તાવેજોના આધારે ભારતમાં પ્રવેશ્યા હતા અને લાંબા સમયથી અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હતા.

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ઘૂસણખોરોએ સ્થાનિક એજન્ટોની મદદથી ખોટા દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા. આ દસ્તાવેજોના આધારે તેઓ વિવિધ વિસ્તારોમાં રહેતા હતા અને પોતાની ઓળખ છુપાવી રહ્યા હતા. પોલીસ હવે આ દસ્તાવેજો બનાવનાર એજન્ટો, મધ્યસ્થીઓ અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે. આ મામલે વધુ લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે.

JCP શરદ સિંઘલના જણાવ્યા મુજબ, ઝડપાયેલા કેટલાક મહિલાઓ ખાસ કરીને વેશ્યાવૃત્તિ સંબંધિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પુરુષો મુખ્યત્વે કચરો એકત્રિત કરવાનો અને અન્ય દૈનિક મજૂરીના કામોમાં જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ લોકો ભારતમાં કેવી રીતે આવ્યા અને તેમને કોણે કામ પર રાખ્યા હતા તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.તપાસ દરમિયાન વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર કેટલાક લોકો અહીંથી આંગડિયા પેઢીઓ મારફતે બાંગ્લાદેશમાં નાણાં મોકલતા હતા. પોલીસ હવે આંગડિયા નેટવર્ક અને નાણાંકીય વ્યવહારોની પણ તપાસ કરશે. નાણાં ક્યાં મોકલવામાં આવતા હતા અને તેમાં કોણ-કોણ સંકળાયેલું હતું તે અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

અમદાવાદ ઉપરાંત ગાંધીનગર પોલીસ દ્વારા પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર પોલીસે પાંચ શંકાસ્પદ લોકોને ઝડપી પાડ્યા છે. હાલ પાંચેય લોકોની ઓળખ અને દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેઓ ગેરકાયદેસર રીતે દેશમાં રહેતા હતા કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, તપાસ પૂર્ણ થયા બાદ બાંગ્લાદેશી હોવાનું નિશ્ચિત થયેલા તમામ લોકોને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેમના દેશમાં ડિપોર્ટ કરવામાં આવશે. સાથે જ ઘૂસણખોરી, ખોટા દસ્તાવેજો, એજન્ટ નેટવર્ક અને નાણાંકીય વ્યવહારોમાં સંડોવાયેલા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://વૈશ્વિક હવામાન વિભાગની ભારતને મોટી ચેતવણી: ‘સુપર અલ નીનો’ લાવશે ભયંકર ગરમી અને દુષ્કાળનો પ્રકોપ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *