વૈશ્વિક હવામાન વિભાગની ભારતને મોટી ચેતવણી: ‘સુપર અલ નીનો’ લાવશે ભયંકર ગરમી અને દુષ્કાળનો પ્રકોપ!

વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો વચ્ચે હવે ભારતીય ચોમાસા (Monsoon) પર સંકટના વાદળો ઘેરાયા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) અને વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) એ ચેતવણી જાહેર કરી છે કે આગામી થોડા જ અઠવાડિયામાં ‘અલ નીનો’ (El Nino) નો એક અત્યંત ખતરનાક તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે.
હવામાન એજન્સીઓના મતે આ વખતે આવી રહેલો અલ નીનો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી હોઈ શકે છે, જેને નિષ્ણાતો ‘સુપર અલ નીનો’ (Super El Nino) તરીકે ઓળખાવી રહ્યા છે. આ અસાધારણ ભૌગોલિક ઘટનાના કારણે વર્ષ 2026 ના બાકીના મહિનાઓમાં વિશ્વભરમાં ભારે ઉથલપાથલ જોવા મળશે અને ભારત સહિત અનેક દેશોમાં ભયંકર દુષ્કાળ અને અસહ્ય ગરમીનો ખતરો વધી ગયો છે.
શું છે આ ‘સુપર અલ નીનો’?
અલ નીનો એ સમુદ્રની સપાટી પર થતી એક કુદરતી હલચલ છે, જેમાં પ્રશાંત મહાસાગર (Pacific Ocean) નું પાણી અસાધારણ રીતે ગરમ થઈ જાય છે. તેના કારણે વૈશ્વિક પવનો નબળા પડે છે અને આખી દુનિયાની મોસમી સિસ્ટમ બગડી જાય છે. જો પ્રશાંત મહાસાગરના આ ચોક્કસ વિસ્તારનું તાપમાન લાંબા સમય સુધી સામાન્ય કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ વધી જાય, તો તેને ‘સુપર અલ નીનો’ કહેવામાં આવે છે. સેટેલાઇટ અને દરિયાઈ ઉપકરણોના ડેટા દર્શાવે છે કે સમુદ્રની સપાટીથી સેંકડો મીટર નીચે ગરમ પાણીની એક વિશાળ લહેર પૂર્વ તરફ આગળ વધી રહી છે, જે આગામી સમયમાં વૈશ્વિક તાપમાનમાં આશરે 0.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરી શકે છે. વૈજ્ઞાનિકોના મતે આ સ્થિતિને કારણે વર્ષ 2027 ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે.ભારત અને વૈશ્વિક અર્થતંત્ર પર શું થશે અસર?
ચોમાસું નબળું પડશે: અલ નીનોના કારણે ભારતીય ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે અથવા તે અવરોધાઈ શકે છે, જેનાથી કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન થવાની ભીતિ છે.
ભયંકર દુષ્કાળ અને ગરમી: ભારત ઉપરાંત આફ્રિકાના કેટલાક ભાગો, દક્ષિણ-પૂર્વી એશિયા અને ઓસ્ટ્રેલિયામાં હવામાન ખૂબ જ ગરમ અને સૂકું થઈ જશે, જેથી જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વધી શકે છે.
પૂરનું સંકટ: આનાથી તદ્દન વિપરીત, દક્ષિણ અમેરિકા જેવા દેશોમાં અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
મોંઘવારીમાં વધારો: ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ મજબૂત અલ નીનો આવ્યો છે, ત્યારે મોટા પાયે પાક નિષ્ફળ જાય છે. અનાજ અને શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થતાં વૈશ્વિક સ્તરે મોંઘવારી વધશે અને અર્થતંત્ર ખોરવાશે.
ડિસેમ્બરથી એપ્રિલ વચ્ચે બદલાયું ચિત્ર
વૈજ્ઞાનિકો માટે અલ નીનોના ચોક્કસ સમયનો અંદાજ લગાવવો હંમેશા પડકારજનક રહ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રશાંત મહાસાગરનું પાણી સરેરાશ કરતાં ઠંડું હતું અને અલ નીનોના કોઈ સંકેત નહોતા. પરંતુ માર્ચ 2026 આવતા જ આખો પ્રવાહ બદલાઈ ગયો અને મધ્ય પ્રશાંત મહાસાગર સહિત દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠાનું પાણી ઝડપથી ગરમ થવા લાગ્યું હતું. એપ્રિલ મહિના સુધીમાં આ ખતરો સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયો હતો. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ આગાહ કર્યા છે કે, આ સ્થિતિ પહેલાથી જ ગરમ થઈ રહેલી પૃથ્વીની આગમાં ઘી હોમવાનું કામ કરશે અને તેના પરિણામો ખૂબ જ વિનાશક હોઈ શકે છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં મોટો ખતરો