આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ ગાંધીનગરમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે. પોતાના પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી શાહ રૂપાલ અને માણસા ખાતે આવેલા માતાજીના મંદિરોમાં પૂજા-અર્ચના કરશે. આ ઉપરાંત, તેઓ શિવજીની પ્રતિમાનું અનાવરણ કરશે તેમજ સ્થાનિક ગરબા મહોત્સવમાં પણ ભાગ લેશે.

તમને જણાવી દઈએ કે,   કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે 5.45 વાગે ગાંધીનગર જિલ્લાના જાણીતા યાત્રાધામ રૂપાલ ખાતે પહોંચશે. જ્યાં તેઓ વરદાયિની માતાના મંદિરે પૂજા કરશે. ત્યારબાદ મંદિર પરિસરમાં નિર્માણ પામેલી ભગવાન શિવની 81 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનો શિલાન્યાસ કરશે.  રૂપાલ બાદ તેઓ સાંજે 7.15 વાગે પોતાના વતન માણસામાં બહુચર માતાના મંદિરે પહોંચશે. નોંધનિય છે કે, નવરાત્રિ પર્વ દરમિયાન તેઓ દર વર્ષે પોતાના વતન માણસામાં તેમના પરિવારના કુળદેવી બહુચર માતાનાં દર્શને આવે છે.

ગૃહમંત્રી શાહના આ પ્રવાસને પગલે ગાંધીનગરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયરની પસંદગીને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવી દ્રઢ શક્યતા સેવાઈ રહી છે કે ગૃહમંત્રી શાહ સાથે ગાંધીનગર મનપાના મેયરના નામ અંગે મહત્વની બેઠક અને ચર્ચા થઈ શકે છે.મહત્વનું છે કે ગાંધીનગર મનપાના મેયર માટે અઢી વર્ષની પ્રથમ ટર્મ OBC માટે અનામત છે. હાલમાં મેયર પદ માટે કુલ 7 નામો ચર્ચામાં છે, જેમાંથી 4 દાવેદારો રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે:

ધર્મેન્દ્ર નાયી: વોર્ડ નં. 10ની OBC બેઠક પરથી ચૂંટાયેલા ધર્મેન્દ્ર નાયી મેયર પદની રેસમાં સૌથી આગળ હોવાનું મનાય છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા પાયાના કાર્યકર તરીકે તેમની પસંદગી થવાની પ્રબળ શક્યતા છે.

કનૈયાલાલ દેસાઈ: વોર્ડ નં. 5ની OBC બેઠક પરથી વિજેતા થયેલા કનૈયાલાલ દેસાઈને સંગઠન મહામંત્રી તરીકે ત્રણ ટર્મનો બહોળો અનુભવ છે.

મહેશ ચૌધરી: વોર્ડ નં. 1ની સામાન્ય બેઠક પરથી ચૂંટાયેલા મહેશ ચૌધરી બિલ્ડર લોબીમાંથી આવે છે અને તેઓ પણ મેયરની રેસમાં અગ્રેસર છે.

રૂપસિંહજી ઠાકોર: આ ઉપરાંત રૂપસિંહજી ઠાકોર પણ દાવેદારોની યાદીમાં આગળ છે.

આ સિવાય અરવિંદ ઠાકોર, અંકિત બારોટ અને વિષ્ણુજી ઠાકોરના નામો પણ ચર્ચાના દોરમાં છે. હવે જોવાનું એ રહેશે કે ગૃહમંત્રી શાહના પ્રવાસ બાદ ગાંધીનગરના નવા મેયર તરીકે કોના નામ પર આખરી મહોર વાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *