અમદાવાદ ટ્રાફિક પોલીસ બની વધુ હાઈટેક: ઓવર સ્પીડના દંડથી બચાવવા Google સાથે કર્યું ખાસ કૉલેબોરેશન

અમદાવાદ શહેરમાં ટ્રાફિક શિસ્ત જાળવવા અને વાહનચાલકોની સુવિધા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે વધુ એક મહત્વપૂર્ણ અને હાઈટેક પગલું ભર્યું છે. વાહનચાલકોને ટ્રાફિક નિયમો અને સ્પીડ લિમિટ (ગતિ મર્યાદા) અંગે તાત્કાલિક માહિતી મળે તથા તેઓ ઓવર સ્પીડના દંડથી બચી શકે તે માટે ટ્રાફિક પોલીસે Google સાથે ખાસ કૉલેબોરેશન (ભાગીદારી) કર્યું છે.
અનેકવાર વાહનચાલકોમાં સ્પીડ લિમિટ અંગે યોગ્ય જાગૃતિ કે માહિતી હોતી નથી. કયા રસ્તા પર કેટલી ઝડપે વાહન ચલાવવું તેનો અંદાજ ન હોવાને કારણે વાહનચાલકો અજાણતા જ ઓવર સ્પીડિંગ કરી બેસે છે અને ભારે દંડ (ઈ-ચલણ) ભોગવવો પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે હવે Google Mapsનો ઉપયોગ કરવામાં આવશે. મુસાફરી દરમિયાન જો વાહનચાલક નિર્ધારિત ગતિ મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવશે, તો Google Maps માં એક રેડ સર્કલ દેખાવા લાગશે. લાલ વર્તુળ દેખાતાં જ વાહનચાલકને ખ્યાલ આવી જશે કે તેમનું વાહન ઓવર સ્પીડમાં છે. વાહનચાલક સમયસર પોતાની સ્પીડ ધીમી કરી શકશે, જેથી ઓવર સ્પીડના ચલણથી બચી શકાશે.
વાહનચાલકોને સ્પીડ લિમિટ અંગે એલર્ટ કરવા માટે ઊભી કરવામાં આવેલી આ નવી સિસ્ટમ અંગે ટ્રાફિક એડમિન ડીસીપી ચિરાગ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. શહેરના આંતરિક રસ્તાઓ અને હાઇવે પર અલગ-અલગ સ્પીડ લિમિટ નિર્ધારિત કરવામાં આવી હોય છે. સામાન્ય વાહનચાલકોને સ્પીડ અંગે વધુ જાણકારી હોતી નથી, જેના કારણે ઓવર સ્પીડના મેમો જનરેટ થાય છે. વાહનચાલકોને રસ્તા પર મુસાફરી કરતી વખતે જ સ્પીડ લિમિટ અંગે લાઈવ એલર્ટ મળે તે હેતુથી Google સાથે કૉલેબોરેશન કરવામાં આવ્યું છે.
શહેરમાં હાલમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઓવર સ્પીડિંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં શહેરમાં 9 ઇન્ટર ટ્રેક્ટર અને 43 સ્પીડ ગન મારફતે ઓવર સ્પીડ ના મેમો આપવામાં આવે છે. અનેક રસ્તાઓ પર વાહનચાલકોને ગતિ મર્યાદાનો ચોક્કસ અંદાજ ન હોવાથી આ સ્પીડ ગન અને ઇન્ટરસેપ્ટર દ્વારા ઓટોમેટિક ઈ-ચલણ જનરેટ થઈ જાય છે. Google Maps ની નવી સિસ્ટમ શરૂ થવાથી વાહનચાલકો દંડાય તે પહેલાં જ સચેત થઈ શકશે, જે માર્ગ સદભાવના અને રોડ સેફ્ટી (Road Safety) તરફ એક મોટું પગલું સાબિત થશે.