અમદાવાદમાં તંત્રની પોલ ખુલી; 17 કરોડના ખર્ચે બનેલા શીલજ સ્મશાનગૃહમાં 2 મહિનામાં જ મોટું ગાબડું

અમદાવાદ શહેરમાં અત્યાર સુધી રસ્તા પર ભૂવા પડતા હતા. પરંતુ હવે તો મ્યુનિસિપલની નવનિર્મિત ઈમારતોમાં પણ ગાબડાં પડી રહ્યા છે. શીલજ સ્મશાન ગૃહમાં અંદર પ્રવેશવાના આરસીસી રોડ જેવા રેમ્પના રીતસરના બે કટકા થયા હોય તેમ એક બાજુનો ભાગ સંપૂર્ણ બેસી ગયો હતો. નોંધનીય છે કે, હજી સાતેક મહિના પહેલાં કેફેટેરિયા વગેરે સુવિધાઓ સાથે 17 કરોડ રૂપિયાનું હાઈટેક સ્મશાન તૈયાર કરાયું હતું!
સામાન્ય રીતે ચોમાસામાં જર્જરિત ઈમારતોના ભાગ ધસી પડવાની ઘટનાઓ બનતી હોય છે. પરંતુ આ વર્ષે નિમાર્ણધીન અને નવનિર્મિત ઈમારતોની દીવાલો, આરસીસી સ્ટ્રક્ચર તૂટી રહ્યા છે. ખાનગી બાંધકામ સાઈટ બાદ હવે ખુદ મ્યુનિસિપલના નવા બાંધકામો પણ જોખમી હોવાનું સામે આવ્યું છે. શીલજમાં સ્મશાનગૃહમાં પ્રવેશવા માટેના મુખ્ય રેમ્પ પર મોટું ગાબડું પડ્યું હતું. આટલું ઓછું હોય, ત્યાં થોડી વારમાં રેમ્પનો તળાવ બાજુનો પાછળનો ભાગ બેસી ગયો હતો. વાહનચાલકો માટે તો રસ્તા સુરક્ષિત નથી જ, પણ મૃતકો અને ડાઘુઓ માટે સ્મશાન ગૃહ પણ જોખમી સાબિત થઈ શકે છે.
આ અંગે ઉત્તર-પશ્ચિમ ઝોનના એડિશનલ સિટી ઈજનેર જણાવે છે કે, ઢાળિયા રસ્તા નીચેથી વીજળી અથવા ગેસની સર્વિસ લાઈન પસાર થતી હોવાથી સેટલમેન્ટ થયું હતું. જો કે તેટલો ભાગ તોડીને પીસીસી એટલે પ્લેન સિમેન્ટ કોંક્રિટ નાંખી નવો બનાવી દેવાયો છે. નોંધનીય છે કે, હજી સાતેક મહિના પહેલાં જ 17 કરોડ રૂપિયાના ખર્ચે આ નવું સ્મશાન ગૃહ તૈયાર કરાયું હતું. ત્યારે નવી સુવિધાઓની નબળી કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.
બાંધકામ પહેલાં જમીનના વિવિધ ટેસ્ટ નહીં કરાયા હોય?
કોઈ પણ સ્થળે બાંધકામ શરૂ કરતા પહેલાં ત્યાં સોઈલ ટેસ્ટ, કેમિકલ અને ભૂગર્ભજળ સપાટી વગેરે બાબતે તપાસ કરવી ફરજિયાત હોય છે. ખાસ કરીને તળાવ કે જળાશયો પાસેની જમીનોમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી વિવિધ પ્રકારના જોખમો રહે છે. ત્યારે અહીં બાંધકામ કરતા પહેલાં શું મ્યુનિ. દ્વારા આ દિશામાં યોગ્ય તપાસ કરાઈ હતી? તેવો લોકોમાંથી સવાલ ઉઠ્યો છે.