Ahmedabad: હવે રેશન માટે e-KYC કરાવવા લાઈનમાં નહી લાગવું પડે: પોસ્ટમેન ઘરે બેઠા કરી આપશે, જાણી લો પ્રક્રિયા

જો રેશન કાર્ડમાં તમારૂં e-KYC નથી થયું તો તમારા ઘરે આવતા પોસ્ટમેનને કહો અથવા તો નજીકની પોસ્ટ ઓફિસમાં જાઓ. ત્યાં તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે કેમ કે હવે પોસ્ટ વિભાગે e-KYCની સેવા શરૂ કરી છે અને એ પણ કોઇ ફી વગર. રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા વિભાગે ભારતીય ટપાલ વિભાગને આ કામગીરી સોંપી છે.
સરકારે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેના લીધે e-KYC માટે ઠેર-ઠેર લાગેલી લાઇનના દૃશ્યો તમે થોડા સમય પહેલાં જોયા જ હશે. રેશન કાર્ડ ધરાવતાં લોકોની સંખ્યા સામે ફૂડ સપ્લાયમાં કામ કરતાં સ્ટાફની સંખ્યા પૂરતાં પ્રમાણમાં ન હોવાથી આ સ્થિતિ સર્જાઇ હતી. જેના ઉકેલ તરીકે હવે ઘરે ઘરે ટપાલ વિતરણ કરવા જતાં પોસ્ટમેનોને આ કાર્યમાં જોડવામાં આવ્યા છે.
e-KYC માટે રેશન કાર્ડ અને આધાર કાર્ડની જરૂર પડે છે. આધાર કાર્ડ સાથે જે મોબાઇલ નંબર લીંક હોય તે મોબાઇલની પણ જરૂર પડે છે કારણ કે તેમાં OTP આવે છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની પીડીએસ પ્લસ નામની એપ્લિકેશન છે. જેમાં રેશન કાર્ડ નંબર નાખવામાં આવે છે. આ નંબર એપ્લિકેશનમાં નાખતા જ રેશન કાર્ડમાં કુટુંબના કેટલા લોકોનું રજિસ્ટ્રેશન થયેલું છે તે અને રજિસ્ટર્ડ થયેલા લોકોમાંથી કેટલા લોકોનું e-KYC થયેલું છે તેમજ કેટલા લોકોનું બાકી છે તેની માહિતી મળે છે. જે લોકોનું રજિસ્ટ્રેશન બાકી હોય તેવા લોકોના આધાર કાર્ડ સાથે તેમનું ફેસ રિડીંગ કરીને e-KYC કરી અપાય છે.

ગુજરાતમાં લગભગ 9 હજાર જેટલી પોસ્ટ ઓફિસ છે. અમદાવાદ શહેરમાં 106થી વધુ પોસ્ટ ઓફિસ અને 65 અલગ અલગ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ છે. પોસ્ટ ઓફિસમાં ડિલીવરી સ્ટાફ અને મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ (MTS)હોય છે. દરેક બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં એક પોસ્ટ માસ્ટર હોય છે અને મોટી બ્રાન્ચ ઓફિસ હોય તો બેથી ત્રણ જણાં હોય છે. ડિલીવરી પોસ્ટ ઓફિસ હોય તો તેનો બધો સ્ટાફ અને જે નોન ડિલીવરી (જ્યાં ડિલીવરી અલગ પોસ્ટ ઓફિસમાંથી થતી હોય છે) પોસ્ટ ઓફિસ હોય તો તેનો મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ આ સેવામાં જોડાયેલો છે. મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ એટલે ગ્રુપ ડી કક્ષાના કર્મચારી હોય છે. તમામ કર્મચારીઓ પોતાના મોબાઇલમાં એપ્લિકેશનથી જ આ કામ કરે છે. શનિવારે સાંજે કે રવિવારે લોકોને ઘરે બેઠાં પણ આ સુવિધા પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે. આ કાર્ય સહિત અન્ય સર્વિસીઝ માટે લગભગ 3થી 4 હજારનો સ્ટાફ જોડાયેલો છે.
પોસ્ટ ઓફિસમાં કામ કરતાં પોસ્ટમેનો ટપાલ વિતરણ માટે જે-તે વિસ્તારમાં જતાં હોવાથી તેઓ લોકોને નામજોગ ઓળખતાં હોય છે.તેમની સાથે એક સંબંધ બની ગયો હોય છે. જેના કારણે તેમને આ કામગીરીમાં જોડાયા છે. પોસ્ટ વિભાગે અમદાવાદમાં 21મી ફેબ્રુઆરીથી e-KYC ની કામગીરી શરૂ કરી હતી. જે અંતર્ગત 11 માર્ચ સુધીમાં અમદાવાદ શહેરમાં 15 હજાર e-KYC કર્યા છે. બીજી રીતે કહીએ તો 19 દિવસમાં 15 હજાર લોકોએ પોસ્ટ વિભાગ દ્વારા e-KYC કરાવ્યું છે.
આ પણ વાંચો, Surat: સુરત પોલીસે વૃદ્ધાશ્રમમાં ધૂળેટી ઉજવી, સિનિયર સિટીઝન્સ પર ફૂલોનો વરસાદ કર્યો અને મીઠાઈ ખવડાવી