Ahmedabad: પોક્સો કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર, LG હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જતા ભીડનો ફાયદો ઊઠાવી નાસી ગયો

અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસનો આરોપી એલ.જી હોસ્પિટલથી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. પોલીસ આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે એલ.જી હોસ્પિટલ લઈને પહોંચી ત્યારે હોસ્પિટલમાં અન્ય દર્દીનુ મોત થતા રોકકળ ચાલી રહી હતી, જે પોલીસ જોઇ રહી હતી આ દરમિયાન આરોપી ફરાર થઇ ગયો હતો. મણિનગરમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અમરાઇવાડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇએ મણીનગર પોલીસ સ્ટેશનમાં જયસુખ વાઘેલા વિરૂદ્ધ પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાની ફરિયાદ નોંધી છે. 31 મેના રોજ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે પોક્સોના કેસમાં 5 જૂનના રોજ વાલજી સોલંકી અને જયસુખની ધરપકડ કરી હતી જ્યારે ગઇકાલે રમીલા અને કેસરબેનની ધરપકડ કરી હતી.

ચારેય આરોપીઓને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરે તે પહેલા મેડીકલ ચેકઅપ માટે એલ.જી. હોસ્પિટલ લઇ જવાના હતા. અમરાઇવાડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરની મંજૂરી લઇને હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇ, પોલીસ કોન્સ્ટેબલ સંજય, મહિલા પોલીસકર્મી હેતલબેન ચારેય આરોપીઓને લઇને સરકારી વાહનમાં એલ.જી. હોસ્પિટલ લઇ ગયા હતા. પોલીસ કોન્સ્ટેબલ સંજય વાહન પાર્ક કરવા ગયા હતા ત્યારે અરવિંદભાઇ અને હેત્તલબેન ચારેય આરોપીઓને એલ.જી. હોસ્પિટલના ટ્રોમાં વોર્ડમાં લઇ ગયા હતા. હોસ્પિટલના ડોક્ટર ચારેય આરોપીઓની સારવાર કરતા હતા અને પોલીસકર્મીઓને તેનો બંકલ નંબર પૂછતા હતા.

આરોપી વાલજી ડોક્ટરની બાજુના ટેબલ પર બેઠો હતો જ્યારે રમીલા, જયસુખ અને કેસર પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇની બાજુમાં ઉભા હતા. આ દરમિયાન હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીનું મોત થઇ જતા તેમના સગા-વ્હાલા રોકકળ કરી રહ્યા હતા, જેને લઇને લોકોની ભીડ ભેગી થઇ ગઇ હતી. અરવિંદભાઇ સહિતના લોકોનું ધ્યાન પણ રોકકળ પર ગયું હતું, જેનો ફાયદો આરોપી જયસુખે ઉઠાવી લીધો હતો. જયસુખે ભીડનો લાભ લઇને પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. ભીડ ઓછી થઇ ત્યારે હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇનું ધ્યાન આરોપીઓ તરફ જતા જયસુખ ગુમ હતો, જેથી તે ટેન્શનમાં આવી ગયા હતા.

જયસુખ ગુમ થતાની સાથે જ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇએ તરત જ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પ્કેટર એન.એમ.પંચાલને જાણ કરી દીધી હતી. અરવિંદભાઇ સહિતની ટીમે એલ.જી. હોસ્પિટલ અને તેની આસપાસ ચેક કર્યુ હતું પરંતુ, જયસુખનો કોઇ પત્તો લાગ્યો નહી. પોલીસની ગંભીર બેદરકારી સામે આવતા દોડધામ મચી ગઇ હતી અને વાત છેક પોલીસ કમિશનર સુધી પહોચી ગઇ હતી. અમરાઇવાડી પોલીસની તમામ ટીમોએ જયસુખને ઝડપી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ જાપ્તામાંથી જયસુખ ફરાર થઇ જતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પોક્સો જેવા ગંભીર કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ જતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસની કામગીરી મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્રણેય આરોપીઓને સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યા છે જ્યારે જયસુખને શોધવા તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો, Chhota Udepur: લીમડાનું ઝાડ કાપવા મામલે ભાઈએ ભાઈ પર કર્યો જીવલેણ હુમલો, છાતીના ભાગમાં મારી કુહાડી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/featured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *