ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારે બબાલ, ઉશ્કેરાયેલા ટોળાએ અનેક દુકાનોમાં આગચંપી

ધંધુકામાં ભરવાડ સમાજના યુવકની હત્યાના ઘટનાને પગલે વિસ્તારમાં ભારે તણાવ સર્જાયો હતો. હત્યાથી ઉશ્કેરાયેલા ટોળાએ શહેરના અનેક વિસ્તારોમાં ધમાલ મચાવી દુકાનોમાં આગચંપી કરી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ઘટનાના પગલે ટોળાએ કેટલાક વિસ્તારોને બાનમાં લઈ તોડફોડ અને આગજની જેવી ઘટનાઓને અંજામ આપ્યો હતો. પરિસ્થિતિ બગડતા તાત્કાલિક મોટી સંખ્યામાં પોલીસ દળોને તહેનાત કરવામાં આવ્યા હતા. ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ સહિતના પગલાં પણ લીધા હોવાનું જાણવા મળે છે.
જિલ્લા પોલીસ વડા પોતે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત, આસપાસના વિસ્તારોમાંથી પણ પોલીસ દળોને બોલાવવામાં આવ્યા હતા જેથી કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય.હાલમાં પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ વિસ્તાર હજુ પણ પોલીસ બંદોબસ્ત હેઠળ છે. સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને હત્યાના કારણો તેમજ આગચંપી માટે જવાબદાર તત્વોને ઓળખવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
થોડા સમય પહેલા ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવક દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવતા તેની હત્યા કરવામાં આવી હતી. જે મામલે ગુજરાત એટીએસે મૌલવીની ધરપકડ કરી હતી. તેમજ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા એક યુવકની અટકાયત કરી હતી.