પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડનાર અભિનંદને એરફોર્સ છોડી:બાલાકોટ સ્ટ્રાઈક દરમિયાન 60 કલાક પાકિસ્તાનની કેદમાં રહ્યા

ભારતીય વાયુસેનાના પૂર્વ ગ્રુપ કેપ્ટન અને વીર ચક્ર વિજેતા અભિનંદન વર્તમાને નિવૃત્તિ લઈને એક ખાનગી એરલાઈનમાં જોડાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમણે 31 માર્ચ 2026ના રોજ વાયુસેના છોડી હતી.
ત્યારબાદ ઓગસ્ટમાં તેઓ પ્રાદેશિક એરલાઈન FLY91 સાથે જોડાયા. અહીં અભિનંદનની ભૂમિકા કોમર્શિયલ પેસેન્જર વિમાનના પાયલટની હશે. લગભગ બે દાયકા વાયુસેનામાં સેવા આપ્યા બાદ આ તેમના કરિયરની નવી ઇનિંગ્સ છે.
અભિનંદન 27 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાની ફાઈટર જેટ F-16 તોડી પાડ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું MiG-21 મિસાઈલની ઝપેટમાં આવી ગયું અને તેમને ઇજેક્ટ થઈને પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારમાં ઉતરવું પડ્યું. પાકિસ્તાને લગભગ 60 કલાક અટકાયતમાં રાખ્યા બાદ 1 માર્ચ 2019ના રોજ તેમને ભારતને સોંપી દીધા હતા.
14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં CRPFના કાફલા પર આતંકી હુમલો થયો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા હતા. તેના જવાબમાં ભારતે 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી.
તેના બીજા દિવસે પાકિસ્તાની ફાઈટર વિમાનોનું એક મોટું જૂથ LoC તરફ આગળ વધ્યું. તે સમયે અભિનંદન શ્રીનગર એરફોર્સ સ્ટેશન પર MiG-21 બાયસન સ્ક્વોડ્રનમાં તૈનાત હતા. તેઓ ઓપરેશનલ રેડીનેસ ડ્યુટી પર હતા.
પાકિસ્તાની વિમાનોની જાણ થયાના લગભગ પાંચ મિનિટ પછી અભિનંદનને તેમને રોકવા માટે મોકલવામાં આવ્યા. અધિકૃત પ્રશસ્તિ પત્ર મુજબ, તેમણે પીછેહટ કરી રહેલા એક દુશ્મન વિમાનનો પીછો કર્યો અને તેને તોડી પાડ્યું હતું.
હવાઈ લડાઈ દરમિયાન પાકિસ્તાની વિમાને ઘણી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ (BVR) મિસાઈલો ઝીંકી. તેમાંથી એક મિસાઈલ અભિનંદનના વિમાન સાથે ટકરાઈ.
વિમાનને નુકસાન પહોંચ્યા પછી અભિનંદને ઇજેક્ટ કર્યું. તેઓ પેરાશૂટથી પાકિસ્તાનના વિસ્તારમાં ઉતર્યા, જ્યાં તેમને પાકિસ્તાની સુરક્ષા દળોએ પકડી લીધા. જોકે, 1 માર્ચ 2019ના રોજ અભિનંદન પાકિસ્તાનથી સુરક્ષિત ભારત પાછા ફર્યા હતા.આ કાર્યવાહી માટે અભિનંદનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. વીર ચક્ર, પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર પછી ત્રીજો સૌથી મોટો યુદ્ધકાલીન વીરતા પુરસ્કાર છે.
ભારત સરકારના રાજપત્રમાં પ્રકાશિત પ્રશસ્તિ-પત્ર મુજબ, અભિનંદને પાકિસ્તાની વિમાનોની સંખ્યા અને તકનીકી શ્રેષ્ઠતા હોવા છતાં તેમનો હિંમતભેર સામનો કર્યો. તેમના આક્રમક યુદ્ધાભ્યાસથી દુશ્મનના વિમાનોમાં વ્યૂહાત્મક અવ્યવસ્થા સર્જાઈ.
ગોવા અને હૈદરાબાદમાં FLY91 એરલાઇનનો બેઝ
FLY91 એક પ્રાદેશિક એરલાઇન છે, જેણે માર્ચ 2024માં કોમર્શિયલ ઉડાન શરૂ કરી હતી. તેનું ફોકસ નાના શહેરોને હવાઈ સેવા સાથે જોડવા અને પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા પર છે.
એરલાઇનના કાફલામાં હાલમાં 6 ATR 72-600 વિમાન છે. આ ટર્બોપ્રોપ વિમાન ઓછા અંતરની ઉડાન માટે ઉપયોગમાં લેવાય છે અને તેમાં લગભગ 70 મુસાફરો બેસી શકે છે.
FLY91ના બે મુખ્ય બેઝ ગોવા અને હૈદરાબાદમાં છે. એરલાઇન આ જ કેન્દ્રોથી અલગ-અલગ પ્રાદેશિક શહેરો વચ્ચે ઉડાનનું સંચાલન કરે છે.