મોદી-પેઝેશ્કિયનની મુલાકાતથી ભડક્યું અમેરિકા? ખુલ્લી ચેતવણી આપતા કહ્યું- જો ઈરાનને બચાવ્યું તો…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે મુલાકાત કરી ત્યારબાદ હવે અમેરિકા તરફથી હવે એક મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ભારત સહિત અન્ય દેશોને ઈરાન સાથે આવી આર્થિક લેવડદેવડથી બચવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે કોઈ દેશ ઈરાનને અમેરિકી પ્રતિબંધોથી બચવા કે કમાણીના નવા રસ્તા બનાવવામાં મદદ કરશે તો અમેરિકા તે દેશ ઉપર પણ પ્રતિબંધ લગાવશે.
એક ઈન્ટરવ્યુમાં રૂબિયોએ આ વાત કરી. તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું ભારત અને ઈરાન વચ્ચે કોઈ નવા વેપાર સમજૂતિની સંભાવના બની રહી છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે તેમને ભારત અને ઈરાન વચ્ચે કોઈ પણ નવી ટ્રેડ ડીલ વિશે જાણકારી નથી. જો કે તેમણે એ પણ માન્યુ કે દરેક દેશને પોતાની વિદેશ નીતિ નક્કી કરવા અને અન્ય દેશો સાથે સંબંધ જાળવી રાખવાનો હક છે. પરંતુ ઈરાનને મદદ પહોંચાડવાની કોશિશ ન થવી જોઈએ.
અમેરિકી વિદેશમંત્રી રૂબિયોએ કહ્યું કે “ભારત પોતાની વિદેશ નીતિ પોતે નક્કી કરે છે. પરંતુ અમારી ચિંતા એ છે કે કોઈ પણ દેશ ઈરાનને અમેરિકી પ્રતિબંધોથી બચવામાં મદદ ન કરે. કોઈ પણ દેશ ઈરાનને એવા રસ્તા બનાવવામાં મદદ ન કરે જેનાથી તે પૈસા કમાઈ શકે અને તેનો ઉપયોગ કરીને તે આતંકવાદને પ્રોત્સાહન આપે અને પરમાણુ હથિયાર બનાવવાની કોશિશ કરે.” રૂબિયોએ આગળ ચેતવણી આપતા કહ્યું કે “જો કોઈ દેશ આમ કરે તો અમારે તેના ઉપર પણ પ્રતિબંધ લગાવવા પડશે”. અત્રે જણાવવાનું કે આ અગાઉ અમેરિકા યુક્રેન યુદ્ધમાં રશિયાને આર્થિક મદદનો આરોપ લગાવીને ભારત પર મોટો ટેરિફ લગાવી ચૂક્યું છે. અને એકવાર ફરીથી તેણે ભારતને ધમકાવવાની કોશિશ કરી છે.
જો કે તેમણે એ સ્પષ્ટ કર્યું કે અન્ય દેશો ઈરાન સાથે રાજનિયક સંબંધ ધરાવે તેમાં અમેરિકાને કોઈ આપત્તિ નથી. અમેરિકા પોતે પણ ભૂતકાળમાં ઈરાની પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી ચૂક્યું છે. પરંતુ જ્યાં કોઈ દેશની ગતિવિધિઓથી ઈરાનને પ્રતિબંધોથી બચવા કે પૈસા ભેગા કરવામાં મદદ મળે ત્યાં અમેરિકાની સીમા નક્કી થઈ જાય છે.
અમેરિકી પ્રશાસન સતત ઈરાનની આર્થિક ગતિવિધિઓ પર સકંજો કસવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકી અધિકારીઓએ એવા દેશો અને કંપનીઓને પણ સેકેન્ડરી સેંક્શન્સની ચેતવણી આપી છે જે પ્રતિબંધો છતાં ઈરાન સાથે વેપારી સંબધો ચાલુ રાખે છે. 24 ઓગસ્ટના રોજ અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે ઈરાન વિરુદ્ધ નવી આર્થિક કાર્યવાહીને “Operation Economic Outcast” નામ આપ્યું હતું. તેનો ઉદ્દેશ્ય ઈરાન માટે ઉપલબ્ધ આર્થિક રસ્તાઓને મર્યાદિત કરવાનો હતો અને તેની આવકના સ્ત્રોતો પર દબાણ વધારવાનું જણાવ્યું હતું.
બિશ્કેકમાં થઈ હતી મુલાકાત
રૂબિયોનું આ નિવેદન પીએમ મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનની બિશ્કેકમાં થયેલી મુલાકાત બાદ આવ્યું છે. બંને નેતાઓની વાતચીતમાં ભારત અને ઈરાનના સંબંધોને આગળ વધારવાની સાથે વેપારને વિસ્તાર આપવા પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત આવનારા સમયમાં બંને દેશો વચ્ચે વેપારને વધારવા અને તેમાં વિવિધતા લાવવા માટે પ્રતિબદ્ધ છે. વાતચીત દરમિયાન પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અને વિસ્તારમાં વધતા તણાવ ઉપર પણ ચર્ચા થઈ હતી.
ભારતે હંમેશા વિવાદોને વાતચીત અને કૂટનીતિક રીતે ઉકેલવાની વકીલાત કરી છે. બેઠકમાં કોમર્શિયલ જહાજો અને સમુદ્રી માર્ગોની સુરક્ષાનો મુદ્દો પણ ચર્ચાયો. ભારતે સ્પષ્ટ કર્યું કે સામાન્ય નાગરિકો, નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેપારી જહાજો અને સમુદ્રી કર્મચારીઓને ટાર્ગેટ કરવા જોઈએ નહીં.
ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને ભારતના સહયોગ બદલ આભાર વ્યક્ત કરતા ભારતને પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવામાં પોતાની કૂટનીતિક પહોંચનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે અમેરિકા પર વાતચીતની જગ્યાએ દબાણ અને સૈન્ય કાર્યવાહીનો રસ્તો અપનાવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ઈરાન યુદ્ધ ઈચ્છતું નથી અને તેની પ્રાથમિકતા પોતાના લોકોની સુરક્ષાની સાથે વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા કાયમ કરવાની છે. ઈરાને અમેરિકી પ્રતિબંધોનો પણ વિરોધ કર્યો છે અને તેને વૈશ્વિક કાયદા તથા દેશોની સંપ્રભુતા વિરુદ્ધ ગણાવ્યા છે.
ભારત માટે વધ્યા કૂટનીતિક પડકાર
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ભારત માટે સ્થિતિ ખુબ સંવેદનશીલ છે. એક બાજુ જ્યાં ઈરાન સાથે ભારતના લાંબા સમયથી રણનીતિક, આર્થિક અને ઐતિહાસિક સંબંધ છે ત્યાં બીજી બાજુ અમેરિકા સાથે પણ ભારતની મહત્વપૂર્ણ ભાગીદારી છે.
મોદી અને પેઝેશ્કીનની મુલાકાત બાદ રૂબિયોની ચેતવણીથી એ સ્પષ્ટ છે કે અમેરિકા ઈરાન સાથે થનારી આર્થિક ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. આવામાં ભારતે ઈરાન સાથે પોતાના હિતો અને અમેરિકાની પ્રતિબંધ નીતિ વચ્ચે સંતુલન જાળવી રાખવું પડશે.