અમદાવાદમાં સાયબર ક્રાઈમ કેસમાં બે બેન્ક મેનેજર સહિત 3ની ધરપકડ

અમદાવાદમાં દોઢ કરોડના સાયબર ક્રાઈમ કેસમાં બે મહિલા બેન્ક મેનેજર સહિત ત્રણ કર્મચારીની સંડોવણીનો પર્દાફાશ થયો હતો. સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરી સાયબર માફિયાઓએ રોકાણની લાલચ આપી રૂપિયા 1.54 કરોડ પડાવ્યા હતા. પોલીસે અમદાવાદ, સુરત અને ભાવનગરમાં દરોડા પાડી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. સાયબર ફ્રોડની તપાસમાં બેન્કની બે મહિલા મેનેજર સહિત ત્રણ કર્મચારીઓની સંડોવણી ખુલી હતી. મહિલા બ્રાન્ચ મેનેજરે મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યું હતું, બીજા કર્મચારીએ એકાઉન્ટના કેવાયસીમાં સુધારા કર્યા હતા. અન્ય મહિલા મેનેજરે સાયબર ફ્રોડના રૂપિયામાંથી સોનું ખરીદી સાયબર માફિયાને પહોંચાડ્યું હોવાની વિગતો સામે આવી હતી. આ મામલે અગાઉ બે આરોપી સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ છે. વધુ બે આરોપીની શોધખોળ ચાલી રહી છે.

અમદાવાદ શહેરમાં ચાઈનીઝ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ગેંગનો પર્દાફાશ થયો છે. શેર માર્કેટમાં વધારે નફાની લાલચ આપી 1 કરોડ 54 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગમાં બેન્ક કર્મચારીઓની સંડોવણીનો ખુલાસો થયો હતો. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ભાવનગર, સુરત અને અમદાવાદથી 2 મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી લીધા છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપી પૂજા પરિચત, હિના દરજી અને મહેશ તરાણીની ધરપકડ કરી છે. આરોપીઓએ ફરિયાદી પાસેથી 1.54 કરોડ રૂપિયા ટુકડે-ટુકડે ઉઘરાવીને છેતરપિંડી કરી છે.  આરોપીઓ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ મારફતે રોકાણકારોને શેર માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપતા હતા અને વ્હોટસએપ પર ફેક લિંક મોકલી ફ્રોડ એપમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવતા અને બાદમાં અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં પૈસા ભરાવીને ઠગાઈ કરતા હતા. મહત્વનું છે કે ચાઈનીઝ ફ્રોડ ગેંગ IndusInd Bankના કર્મચારીઓની મદદથી RBIના નિયમોનો ભંગ કરી એકાઉન્ટમાં મોબાઈલ નંબર અને ઈ-મેઇલ બદલાવી ઠગાઈની રકમને એફડીમાં ફેરવતા હતા અને ત્યાર બાદમાં આ ઠગાઈની રોકડ તનિષ્ક જેવા મોટા જ્વેલરી શોરૂમમાંથી સોનાની ખરીદીને સહઆરોપીઓને મોકલી આપવામાં આવતી હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ભાવનગર, સુરત અને અમદાવાદમાં કાર્યવાહી કરી અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓને ઝડપી લીધા છે, જેમા રત્ન કલાકાર, મજૂર અને બેન્ક મેનેજરોનો પણ સમાવેશ થાય છે.

સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે પકડાયેલ આરોપીમાં પૂજા પરિયત IndusInd બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ બેન્ક મેનેજર પૂજા પરિયત, સેલ્સ મેનેજર મહેશ તરાણી અને કર્મચારી હીના દરજી મ્યુલ એકાઉન્ટ ખોલાવી સાયબર ઠગોને મદદ કરતા હતા. પૂજા પરિયતે 400થી વધુ મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું. આ ઠગ ટોળકી આ એકાઉન્ટમાં આવેલી રકમને સ્વીપ એફડીમાં કન્વર્ટ કરતા અને બાદમાં ગોલ્ડ ખરીદી મારફતે નાણા ઉપાડી લેતા હતા. આરોપીઓને મ્યુલ એકાઉન્ટ ખોલાવવા બદલ 50 હજારથી 1 લાખ સુધી કમિશન મળતું હતું. છેલ્લા દોઢ વર્ષથી આ રીતે છેતરપિંડી ચાલી રહી હતી. આ કેસમાં અગાઉ હરેશ મકવાણા અને રાજુ મકવાણાની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે આરોપી રાજુભાઈ મકવાણાએ ફરાર આરોપી હરકિશન અને માસ્ટરમાઈન્ડ આકિબ ઉર્ફે કાળુભાઈની સૂચનાથી મુંબઈ જઈ બેંક એકાઉન્ટની કિટ ઓપરેટ, ટ્રાન્ઝેક્શન અને નવા મ્યુલ એકાઉન્ટ ખોલાવવાનું નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો થયો હતો અને આ તપાસમાં બેંકના મેનેજર અને કર્મચારીઓની સંડોવણી ખુલી હતી.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ, જાણો અન્ય લોકોને કેવો રહેશે બુઘવાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *