ગુજરાતમાં ગરમીથી યુવકનું મોત, 28 વર્ષનો યુવક હીટસ્ટ્રોક સહન ન કરી શક્યો, અને ઢળી પડ્યો

ગુજરાતમાં આકરી ગરમીથી મોત થયાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં 28 વર્ષીય યુવક અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો, અને સારવાર મળે તે પહેલા જ મોતને ભેટ્યો હતો. સુરતમાં ગરમીનો પારો 42.2 ડિગ્રીએ પહોંચ્યો છે. 15 વર્ષમાં બીજીવાર મે મહિનામાં સુરતમાં આટલી ગરમી નોંધાઈ છે. હજી ચાર દિવસ સુરતમાં હીટવેવની આગાહી છે. 

સુરત શહેરમાં અચાનક બેભાન થયા બાદ 28 વર્ષીય યુવકનું મોત થયું છે. યુવકનું હિટ સ્ટ્રોકથી મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. સચિન સાંઈ રો હાઉસમાં રહેતો અનુજ શાહ ઘરેથી જમીને નોકરીએ જઈ રહ્યો હતો. સચિન રોડ પર યુવક અચાનક બેભાન થઈ ગયો હતો. યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકને સારવાર મળે તે પહેલા તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતકના ભાઈ કુંદનકુમાર શાહે જણાવ્યું કે, મારા ભાઈ અનુજને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. પરિવારે ગરમીના લીધે તેમનું મોત થયું હોવાનું જણાવ્યું છે. સચિન પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે તેવું સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.કેતને જણાવ્યું. સુરતના આરોગ્ય કમિશનર પ્રદીપ ઉમરીગરે કહ્યું કે, યુવાનનું પેનલ પીએમ કરી મોતનું સાચું કારણ જાણી શકાશે. હાલ હીટવેવ સહિતના કેસોમાં 5 થી 10 ટકાનો વધારો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. હાલ સુરતમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે. લોકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા  સૂચના છે. મજૂરો માટે પણ 2 થી 4 રીસેસ આપવા જણાવ્યું છે. 

હવામાન વિભાગની આગાહીને ધ્યાનમા રાખીને વ્યવસ્થા કરી – આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા 
ગત રોજ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હીટવેવની લઈને પણ આરોગ્ય મંત્રીએ કહ્યું કે, ગુજરાતની આગામી 5 દિવસ 45 ડિગ્રી જેટલી ગરમી પડશે તેવી હવામાન વિભાગની આગાહીને ધ્યાનમા રાખીને વ્યવસ્થા કરી છે. ગુજરાતની તમામ હોસ્પિટલમા લૂ લાગવા જેવા કેસા માટે ઝડપી સારવાર મળે તે માટે સજ્જ છે. 

સુરતમા 15 વર્ષમાં આટલી ગરમી નોંધાઈ
સુરતમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. 15 વર્ષમાં બીજીવાર મે મહિનામાં આટલી બધી ગરમી નોંધાઈ છે. આજે પણ હીટવેવની સુરતમાં આગાહી છે. વર્ષ 2023 ના મે મહિનામાં છેલ્લા દોઢ દાયકાનું રેકોર્ડબ્રેક 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શહેરના ઓલ ટાઈમ રેકોર્ડ મુજબ 1 મે, 1956ના રોજ મહત્તમ તાપમાન અધધ 45.6 ડિગ્રી નોંધાયું હતું. હાલ બપોરેના સમયે માર્ગો પર લૂની અસરથી સામાન્ય દિવસોની સરખામણીમાં અવર-જવર ઓછી જોવા મળી રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *