‘યોગી આદિત્યનાથ જ હશે ભાજપનો ચહેરો’, નીતિન નવીને  યુપી વિધાનસભા ચૂંટણી અંગે આપ્યા મોટા સંકેત

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને સ્પષ્ટ કરી દીધું છે કે, વર્ષ 2027ની ચૂંટણી કોના નેતૃત્વમાં લડવામાં આવશે. એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં નીતિન નવીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામ પર મહોર મારતા ઉત્તર પ્રદેશમાં ‘સત્તાની હેટ્રિક’ લગાવવાનો દાવો કર્યો છે.

ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નીતિન નવીને જણાવ્યું હતું કે, યોગી આદિત્યનાથ હાલમાં મુખ્યમંત્રી છે અને તેમના નેતૃત્વમાં જ સરકાર ચાલી રહી છે. તેથી નિશ્ચિતપણે તેઓ જ અમારો ચહેરો હશે. આ સાથે તેમણે ઉત્તરાખંડ માટે પણ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નામનો સંકેત આપ્યો હતો.

લો એન્ડ ઓર્ડર અને વિકાસ બનશે હથિયાર

નીતિન નવીને યુપીના બદલાયેલા સ્વરૂપની ચર્ચા કરતા કહ્યું કે, જે રાજ્ય પહેલા ગુનાખોરી અને ખંડણી માટે જાણીતું હતું, તે આજે તેની શ્રેષ્ઠ કાયદો અને વ્યવસ્થા તથા એક્સપ્રેસવે માટે ઓળખાય છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન અન્ન યોજનાથી લઈને તમામ સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે. ઉત્તર પ્રદેશ આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ અને મોટા રોકાણોમાં દેશના અગ્રણી રાજ્યોમાં સામેલ છે. મુખ્યમંત્રી યોગીની સૌથી મોટી તાકાત ‘લો એન્ડ ઓર્ડર’ છે જે જમીન પર દેખાઈ રહી છે.

નોંધનીય છે કે, 2017માં ભાજપ જ્યારે સત્તામાં પરત ફરી ત્યારે કોઈ ચહેરો જાહેર કરવામાં આવ્યો ન હતો. 2022માં પણ ચહેરાને લઈને અનેક અટકળો હતી. જોકે, આ વખતે ભાજપે ચૂંટણીના ઘણા સમય પહેલા જ યોગી આદિત્યનાથના નામની જાહેરાત કરીને તમામ વિવાદો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. સમાજવાદી પાર્ટીએ જ્યારે પશ્ચિમ યુપીથી મિશન-2027ની શરૂઆત કરી છે, ત્યારે ભાજપનો આ દાવ વિપક્ષો માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *