ઘરની ચાર દિવાલોમાં જ મહિલાઓ અસુરક્ષિત! ગુજરાતમાં દર 3 મિનિટે ઘરેલુ હિંસાનો એક કેસ, ‘અભયમ્’નો ચોંકાવનારો ખુલાસો

દર વર્ષે 25 નવેમ્બરના રોજ વિશ્વભરમાં ‘મહિલા સામે હિંસા નિવારણ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ મહિલાઓની સુરક્ષા, સન્માન અને તેમના અધિકારો પ્રત્યે સમાજને જાગૃત કરવાનો સંદેશ આપે છે. જોકે, ગુજરાતમાં મહિલાઓ સામે થતી ઘરેલુ હિંસાના આંકડાઓ એક ગંભીર અને ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે.

ગુજરાતમાં મહિલાઓ સામે ઘરેલુ હિંસાના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ એક જ વર્ષમાં મહિલા સામે ઘરેલુ હિંસાના 1.68 લાખ કેસ નોંધાયા છે. આ આંકડાઓ પર નજર કરીએ તો સરેરાશ દર 3 મિનિટે 1 મહિલા ઘરેલુ હિંસા સામે રક્ષણ અને મદદ મેળવવા માટે હેલ્પલાઇનનો સંપર્ક કરે છે.

મહિલાઓની ત્વરિત મદદ માટે કાર્યરત ‘અભયમ્’ હેલ્પલાઇન પર આ વર્ષે અત્યાર સુધીમાં 1.68 લાખથી વધુ કોલ્સ આવી ચૂક્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ‘અભયમ્’ ને મળેલા કુલ 9.55 લાખ કોલ્સમાંથી અંદાજે 40 ટકા કોલ્સ માત્ર ઘરેલુ હિંસાને લગતી ફરિયાદોના રહ્યા છે. ગયા વર્ષની સ્થિતિ જોઈએ તો ‘અભયમ્’ પર 2.17 લાખ કોલ્સ નોંધાયા હતા, જે મુજબ દરરોજ સરેરાશ 595 કોલ્સ આવતા હતા. શહેરોની વાત કરીએ તો એક વર્ષ દરમિયાન મહિલા સામે હિંસાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં અમદાવાદ મોખરે, સુરત બીજા ક્રમે અને રાજકોટ ત્રીજા ક્રમે રહ્યું છે.

ઘરેલુ હિંસા સામે મહિલાઓને કાયદાકીય રક્ષણ આપવા માટે ઘરેલુ હિંસા અધિનિયમ, 2005 અમલમાં છે. આ કાયદાની મહત્વની બાબત એ છે કે આ કાયદો 2005માં અમલમાં આવ્યો તે પહેલાં પણ જો કોઈ મહિલા સામે ઘરેલુ હિંસા થઈ હોય અથવા ભૂતકાળમાં બનેલા બનાવો હોય, તો તેને પણ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવે છે. વર્તમાન ઘરેલુ હિંસા (ડોમેસ્ટિક વાયોલન્સ) કાયદો દરેક સ્ત્રીને રક્ષણ આપે છે અને તેને ન્યાય મેળવવાનો અધિકાર પૂરો પાડે છે. ‘મહિલા સામે હિંસા નિવારણ દિવસ’ નિમિત્તે માત્ર જાગૃતિના કાર્યક્રમો પૂરતું સીમિત ન રહેતાં, દરેક મહિલાને સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ મળે તે માટે સામાજિક માનસિકતામાં ફેરફાર આવે તે સમયની માંગ છે.

20 ડિસેમ્બર 1993ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ Declaration on the Elimination of Violence against Women નો સ્વીકાર કર્યો. ત્યારબાદ 17 ડિસેમ્બર 1999ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પ્રસ્તાવનો સ્વીકાર કરતા 25 નવેમ્બરને સત્તાવાર રીતે International Day for the Elimination of Violence against Women જાહેર કર્યો. સંયુક્ત રાષ્ટ્રએ સભ્ય દેશો, પોતાની એજન્સીઓ અને બિન-સરકારી સંગઠનોને આ દિવસે જાગૃતિ વધારનારી પ્રવૃત્તિઓ આયોજિત કરવાનું આહ્વાન કર્યું.

મહિલાઓ વિરુદ્ધ હિંસાનો અર્થ માત્ર શારીરિક હુમલો કે મારપીટ નથી. તેમાં એવા તમામ કૃત્યો સામેલ છે, જેનાથી કોઈ મહિલાને શારીરિક, જાતીય કે માનસિક નુકસાન પહોંચે છે અથવા પહોંચવાની આશંકા હોય છે. તેમાં ધમકી આપવી, જબરદસ્તી કરવી અને સ્વતંત્રતા છીનવી લેવી પણ સામેલ છે. સંયુક્ત રાષ્ટ્રની 1993ની ઘોષણા અનુસાર, મહિલાઓ વિરુદ્ધ હિંસામાં જાહેર અને ખાનગી જીવન, બંને ક્ષેત્રોમાં થનારી લૈંગિક આધાર પર હિંસા સામેલ છે.

હિંસાથી પ્રભાવિત મહિલાઓની સહાય માટે સરકારની શું છે મુખ્ય વ્યવસ્થાઓ?

મહિલાઓને હિંસાથી બચાવવા અને પીડિતોને સહાય ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકારે ઘણી યોજનાઓ અને સેવાઓ શરૂ કરી છે.

મહિલા હેલ્પલાઈન 181

આ મહિલાઓ માટે ટોલ-ફ્રી સહાય સેવા છે. સંકટમાં ફસાયેલી મહિલાઓ અથવા તેમના વતી કોઈ અન્ય વ્યક્તિ આ નંબર પર સહાય અને જાણકારી પ્રાપ્ત કરી શકે છે. આ સેવા જરૂરિયાત મુજબ પોલીસ, તબીબી સહાય અને વન સ્ટોપ સેન્ટર સાથે સંપર્ક કરાવવામાં મદદ કરે છે.

આપાતકાલીન નંબર 112

આ દેશનો એકીકૃત આપાતકાલીન સહાય નંબર છે. પોલીસ, સ્વાસ્થ્ય અને અન્ય આપાતકાલીન સેવાઓ માટે તેનો ઉપયોગ કરી શકાય છે.

વન સ્ટોપ સેન્ટર (સખી)

આ કેન્દ્રોનો ઉદ્દેશ્ય હિંસાથી પ્રભાવિત મહિલાઓને એક જ સ્થળે ઘણા પ્રકારની સહાય ઉપલબ્ધ કરાવવાનો છે. તેમાં તબીબી સહાય, પોલીસ સહાય, કાયદાકીય મદદ, અસ્થાયી આશ્રય અને મનોવૈજ્ઞાનિક પરામર્શ સામેલ છે.

મિશન શક્તિ

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની આ પહેલનો ઉદ્દેશ્ય મહિલાઓની સુરક્ષા, સંરક્ષણ અને સશક્તિકરણ સાથે જોડાયેલી સેવાઓને મજબૂત કરવાનો છે. તેના અંતર્ગત મહિલાઓ માટે વિવિધ સહાય અને કલ્યાણકારી વ્યવસ્થાઓ સંચાલિત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *