ગુજરાતના 2 કરોડથી વધુ વીજ ગ્રાહકોને મોંઘવારીનો ઝટકો: વીજ બિલ અને ફ્યુઅલ સરચાર્જમાં વધારો

ગુજરાતમાં આજનો દિવસ વીજ ગ્રાહકો માટે મોંઘવારીનો વધુ એક આંચકો લઈને આવ્યો છે. મોંઘવારીથી પીડાતી પ્રજા હવે વીજ બિલોમાં થયેલા વિવિધ વધારા અને વસૂલાતને કારણે રાજ્યના 1.76 કરોડ કરોડથી વધુ વીજ ગ્રાહકો અને પરોક્ષ રીતે 2 કરોડથી વધારે લોકો પર આર્થિક બોજ પડવાની શક્યતા છે. એક તરફ અમદાવાદમાં ટોરેન્ટ પાવર દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં ફ્યુઅલ સરચાર્જ (FPPPA) વધારો ઝીંકવામાં આવ્યો છે, તો બીજી તરફ PGVCLના બિલોમાં યુનિટ દીઠ વધારા અને એરિયર્સ વસૂલાતને લઈને વિવાદ શરૂ થયો છે.

મેગાસિટી અમદાવાદ, ગાંધીનગર અને ટેક્સ્ટાઈલ સિટી સુરતમાં વીજળી પૂરી પાડતી ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બર) દરમિયાન વીજ બિલમાં ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ પ્રાઇઝ એડજસ્ટમેન્ટ (FPPPA) એટલે કે ફ્યુઅલ સરચાર્જમાં વધારો લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણયની અસર અમદાવાદ-ગાંધીનગર અને સુરતના અંદાજે 43 લાખ વીજ ગ્રાહકો પર પડશે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ-ગાંધીનગરમાં અગાઉ ફ્યુઅલ સરચાર્જ રૂ. 3.72 વસૂલાતો હતો, જેમાં 8 ટકા (29 પૈસા)નો વધારો થતાં હવે નવો સરચાર્જ રૂ. 4.01 થઈ ગયો છે. તેવી જ રીતે, સુરતમાં અગાઉ ફ્યુઅલ સરચાર્જ રૂ. 2.44 વસૂલાતો હતો, જેમાં 14 ટકા (34 પૈસા)નો વધારો થતાં હવે નવો સરચાર્જ રૂ. 2.78 થઈ ગયો છે.

સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના 62 લાખ વીજ ગ્રાહકો પર પણ વધારાનો આર્થિક બોજ આવ્યો હોવાની વિગતો સામે આવી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે PGVCLના વીજ બિલમાં યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંકાયો છે. જ્યારે 5 પ્રકારના ચાર્જ પર 3.99 ટકાનો એરિયર્સ વસૂલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

‘જર્ક’ (GERC)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટોરેન્ટ પાવરે કેન્દ્રીય ઇલેક્ટ્રિસિટી કાયદાના નિયમ મુજબ જર્કને જાણ કરીને ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત સરકાર અને GUVNL હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓએ હજુ સુધી ત્રીજા ક્વાર્ટરના સરચાર્જ અંગે જર્ક સમક્ષ પ્રપોઝલ સબમિટ કરી નથી. આગામી અઠવાડિયા-દસ દિવસમાં ચારેય કંપનીઓ દ્વારા જર્કને જાણ કરવામાં આવે ત્યારબાદ ગ્રાહકો પર ભાવવધારો લાગુ થશે.

કેન્દ્રીય વીજ કાયદામાં થયેલા સુધારા મુજબ, ફ્યુઅલ સરચાર્જ વધારવા માટે હવે વીજ કંપનીઓને જર્ક જેવા નિયમનકારી પંચની પૂર્વમંજૂરીની જરૂર રહેતી નથી. રાજ્ય નિયમન પંચ માત્ર વર્ષના અંતે ત્રિમાસિક રીતે વસૂલ થયેલા ભાવવધારાની ખરાઈ કરે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફ્યુઅલ સરચાર્જમાં થયેલા વધારા પાછળ બે મુખ્ય પરિબળો જવાબદાર છે. અલ નીનોની અસરને કારણે ચાલુ વર્ષે ખાસ કરીને કૃષિક્ષેત્રમાં વીજળીની માગમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ગેસ, ડીઝલ અને કોલસા જેવા બળતણના ભાવમાં થયેલા વધારાની સીધી અસર ફ્યુઅલ સરચાર્જ પર પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *