નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 15 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. જેના કારણે હાલ પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના ઓછી છે. જોકે, 14થી 17 જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં ફરી સારો વરસાદ વરસી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જોકે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ જમીનમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં વરાપ નીકળવામાં થોડો વધુ સમય લાગી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે 14થી 17 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામશે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે જુલાઈના અંતિમ સપ્તાહ માટે પણ મહત્વની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ 27થી 30 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનું વધુ એક ચક્ર સક્રિય થઈ શકે છે. આ ઉપરાંત ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. વરસાદની આગાહી ઉપરાંત તેમણે આગામી મહિનાઓ અંગે પણ ચેતવણી આપી છે. તેમના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન અલ નીનોની અસર જોવા મળી શકે છે. જેના કારણે 13 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની અને આકરી ગરમીનો અનુભવ થવાની શક્યતા છે.
હાલમાં હવામાનની સ્થિતિને જોતા આગામી થોડા દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદથી રાહત મળવાની સંભાવના છે. જોકે, જુલાઈ મધ્યથી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ફરી કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે.