વરસાદથી તારાજી બાદ હર્ષ સંઘવીની મોડીરાત્રે હાઈલેવલ બેઠક, 800થી વધુ લોકોને રૂ.6,800 લેખે કેશડોલની ચૂકવણી

સુરતમાં પૂરની સ્થિતિને લઇને રાજ્ય સરકાર એકશન મોડમાં જોવા મળી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે અધિકારીઓ સાથે બેઠક કરી છે. પુર અસરગ્રસ્તોને સહાય કરવાના કામે સુરતનું વહીવટી તંત્ર લાગી ગયું છે.
સુરતમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારના 9100 પરિવારનો ડોર ટુ ડોર સરવે કરાયો છે. 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા કેસડોલ અને ઘરવખરીની સહાય કરવામાં આવી છે. આજ રાત સુધીમાં બાકીના અસરગ્રસ્ત વિસ્તારોનો સરવે કરીને સહાય કરાશે.
શહેરના 58 કોમર્શિયલ વિસ્તારોનો સરવે કરાયો છે. વેપારીઓ સાથે મળીને ઇન્સ્યોરન્સની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ છે. કોઇ વેપારી સરવેમાં રહી જાય તો કલેક્ટર ઓફિસનો સંપર્ક કરી શકશે. કોમર્શિયલ વિસ્તારોમાં થયેલા નુકસાનનો પણ સરવે કરાશે. કોમર્શિયલ વિસ્તારોમાં થયેલા નુકસાનમાં સહાય માટે આગામી સમયમાં પોલીસી જાહેર કરાશે.
પૂરની સ્થિતિ પછી શહેરના સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે પણ પગલા લેવાશે. વડોદરાથી એક હજારથી વધુ કર્મચારીઓની મદદ લેવાશે. સુરતમાં 4500 કર્મચારીઓ સફાઇ કરીને એક અઠવાડિયામાં સ્વચ્છ કરશે. બેઝમેન્ટમાં ભરાયેલા પાણી માટે તંત્રના 50થી વધુ પંપ કામે લાગ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે ગઇકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને વેપારીઓ અને સ્થાનિકોની સમસ્યાઓ જાણી હતી. વરાછા વિસ્તારના પોદ્દાર આર્કેડ અને યશ પ્લાઝા કોમ્પ્લેક્સમાં પહોંચેલા હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વેપારીઓ સાથે સીધી ચર્ચા કરી તેમની રજૂઆતો સાંભળી હતી. આ દરમિયાન તેમણે વરસાદથી થયેલા નુકસાનનો ઝડપથી સર્વે કરાવવામાં આવશે અને અસરગ્રસ્તોને યોગ્ય રાહત મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું આશ્વાસન આપ્યું હતું.
હર્ષ સંઘવીએ કહ્યું કે સુરતીઓએ ભારે વરસાદ જેવી વિકટ પરિસ્થિતિમાં જે હિંમત અને ધીરજ દાખવી છે તે પ્રશંસનીય છે. તેમણે સુરતના નાગરિકોને સલામ કરતાં સરકાર દરેક અસરગ્રસ્તની સાથે ઉભી હોવાનું જણાવ્યું હતું.