GSTના નવા દરની અમલવારી ચાલુ થતાં દૂધના ભાવ ઘટશે? અમૂલના MDએ કરી સ્પષ્ટતા

GST કાઉન્સિલની 3 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી મિટિંગ બાદ રોજિંદા વપરાશની ઘણી વસ્તુઓ ઉપરનો ટેક્સ ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ ઘણી ખાદ્ય ચીજો અને રસોડાની વસ્તુઓ 5 ટકાના સ્લેબમાં લાવવામાં આવી છે. તો પેકેજ્ડ દૂધ પરથી 5 ટકા જીએસટી નાબૂદ કરાયો છે. આ નિર્ણય બાદ એવું કહેવાતું હતું કે અમૂલ, મધર ડેરી જેવી બ્રાન્ડના દૂધના ભાવ ઘટી શકે છે.

અમૂલે સ્પષ્ટતા કરી છે કે તેના દૂધના પાઉચ સસ્તા નહીં થાય. અમૂલ ઉત્પાદનોનું માર્કેટિંગ કરતી કંપની ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, ‘તાજા પાઉચ દૂધના ભાવમાં કોઈ ફેરફારનો પ્રસ્તાવ નથી, કારણ કે તેના પર GSTમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. પાઉચ મિલ્ક પર પહેલાથી જ 0 ટકા GST છે.’ અર્થાત 22 સપ્ટેમ્બરથી નવા GST દર લાગુ થવા છતાં, દૂધના પાઉચના ભાવ હાલના જેવા જ રહેશે.  અગાઉ, મીડિયા રિપોર્ટ્સમાં ચર્ચા થતી હતી કે જીએસટી 2.0ની અમલવારી સાથે પેકેજ્ડ મિલ્કના ભાવ ઘટશે. અત્યારે ‘અમૂલ ગોલ્ડ’ 1 લિટરની કિંમત 67 રૂપિયા છે. જ્યારે ટોન્ડ મિલ્ક 57 રૂપિયા/લિટર છે.

તાજેતરની GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો કે, પેકેજ્ડ દૂધ પર હવે 5% GST લાગશે નહીં. પરંતુ આ અલ્ટ્રા-હાઈ ટેમ્પરેચર (UHT) દૂધ સંદર્ભમાં હોવાની જયેન મહેતાએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું, ‘GST 5 ટકાથી ઘટાડીને શૂન્ય કરવાને લીધે 22 સપ્ટેમ્બરથી ફક્ત લાંબા ગાળાના UHT દૂધના ભાવમાં ઘટાડો થશે.’ આ દૂધ ટેટ્રાપેક, અથવા પાઉચમાં આવે છે પરંતુ તેના પેકેટ જાડા હોય છે. આ દૂધ એકવાર ખરીદ્યા પછી ફ્રીજમાં રાખ્યા વિના લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. 

આ પણ વાંચો, http://‘આ માત્ર એક મેચ છે, રમાવા દો’, એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ રદ કરવા પર સુપ્રીમ કોર્ટ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *