દબાણ આગળ નતમસ્તક! કીર સ્ટાર્મરનું UKનું પીએમ પદ છોડવાનું એલાન, 10 વર્ષમાં છઠ્ઠા પ્રધાનમંત્રીએ છોડી ખુરશી

ભારે ઉથલપાથલ વચ્ચે કીર સ્ટાર્મરે યુકેના પીએમ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. છેલ્લા એક દાયકામાં યુકે પીએમનો કાર્યકાળ પૂરો ન કરનારા સ્ટાર્મર યુકેના છઠ્ઠા પીએમ છે. જો કે જ્યાં સુધી નવા પીએમ ન આવે ત્યાં સુધી તેઓ આ પદ પર યથાવત રહેશે. અત્રે જણાવવાનું કે તેઓ 2024માં લેબર પાર્ટી સત્તામાં આવતા પ્રધાનમંત્રી બન્યા હતા.
કીર સ્ટાર્મર પર છેલ્લા કેટલાક દિવસોથી સતત દબાણ હતું કે તેઓ લેબર પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપે. જેથી કરીને એન્ડી બર્નહમ નવા પ્રધાનમંત્રી બની શકે. ગત અઠવાડિયે ઉત્તરી ઈંગ્લેન્ડના મેકરફીલ્ડ પેટાચૂંટણીમાં એન્ડી બર્નહમે દક્ષિણપંથી હરીફ નેતાને હરાવીને મોટી જીત મેળવી હતી. આ જીત બાદ તેમનો પ્રધાનમંત્રી તરીકેનો દાવો વધુ મજબૂત બન્યો હતો. હવે તેમની જ સત્તાધારી લેબર પાર્ટીના આગામી નેતા અને નવા પીએમ તેઓ ગણાઈ રહ્યા છે.
વિવાદોની હારમાળા
જુલાઈ 2024ની સામાન્ય ચૂંટણીમાં કીર સ્ટાર્મરે 174 સીટો સાથે બહુમતીથી શાનદાર જીત મેળવી હતી. પરંતુ અનેક વિવાદોએ પણ તેમને હેરાન પરેશાન કર્યા. જેમાં લેબર પાર્ટીના સીનિયર નેતા પીટર મેન્ડલસનને અમેરિકામાં બ્રિટનના રાજદૂત બનાવવાનું પણ સામેલ છે.
તેમણે ટ્રિકલ ડાઉન ઈકોનોમિક્સને ખતમ કરવાની પણ માંગણી કરી. તેમનું કહેવું હતું કે UWની આ આર્થિક નીતિનો ફાયદો સામાન્ય લોકો સુધી પહોંચ્યો જ નહીં.
આ ઉપરાંત ટેક્સ અને સામાજિક કલ્યાણ યોજનાઓ (સોશિયલ બેનેફિટ્સ) અંગે પણ સરકારના કેટલાક નિર્ણયો અને બાદમાં તેને બદલવાના (યુટર્ન)થી પણ તેમની છબી ખરડાઈ.
બીજી બાજુ એન્ડી બર્નહમ પહેલા કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. બાદમાં તેમણે ગ્રેટર માન્ચેસ્ટરના મેયર તરીકે પોતાની અલગ ઓળખ બનાવી.
પેટાચૂંટણી જીત્યા બાદ તેમણે કહ્યું હતું કે આ જીત લેબર પાર્ટી માટે બદલાવની અંતિમ તક છે. તેમણે વચન આપ્યું કે તેઓ બ્રિટન માટે એક નવો રસ્તો રજૂ કરશે.