200થી વધારે પેટ્રોલ પંપ પર ગુજરાતભરમાં દરોડા, ગ્રાહકોના હિતમાં તંત્રની રાજ્યવ્યાપી ઝુંબેશ

રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા ગત તા.18 અને 19 જુલાઈના રોજ રાજ્યવ્યાપી બે દિવસની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ શહેરો- હાઈવે પર આવેલા 267 જેટલા પેટ્રોલ-ડિઝલ પંપ ઉપર દરોડા પાડીને સ્થળ તપાસ કરી હતી.આ દરોડા દરમિયાન 16 જેટલા પેટ્રોલ-ડિઝલ પંપ પર ગેરરીતિ જણાતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમ, તોલમાપ તંત્ર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
સમગ્ર રાજ્યમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશ રૂપે રાજ્યના તમામ 33 જિલ્લામાં અલગ-અલગ પેટ્રોલ-ડીઝલ પંપોની આકસ્મિક તપાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં અમદાવાદ જિલ્લામાં-3,પંચમહાલમાં -2 તેમજ વડોદરા, સુરત, કચ્છ,ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, હિંમતનગર- સાબરકાંઠા અને મોરબી જિલ્લામાં 1-1 એમ કુલ 16 પેટ્રોલ અને ડીઝલ પંપનો સમાવેશ થાય છે.