Ahmedabad: વણકર સેવા સંઘ દ્વારા વહીવટી, મેડિકલ, સંશોધન તેમજ CA ક્ષેત્રે કુશળતા હાંસલ કરનાર છાત્રોનો સન્માન કાર્યક્રમ યોજાયો

તા. ૨૬-૦૨-૨૦૨૫ ના રોજ વણકર સેવા સંઘ ચાંદખેડા- અમદાવાદની 10 મી વાર્ષિક સાધારણ સભા તથા સમાજના આઈએએસ, આઇપીએસ અધિકારીઓ સહિત વાણિજ્ય તથા મેડિકલમાં ઉત્તિર્ણ થયેલા છાત્રોનું જાહેર સન્માન જેવા કાર્યક્રમો સમૂદાય ભવન-ડી કેબીન ખાતે યોજાયા હતા. સમારંભના અધ્યક્ષ અને વણકર સેવા સંઘના પ્રમુખ મનુભાઈ પરમારે સંસ્થાની પ્રવૃતિઓ સવિસ્તાર રજુઆત કરી સમાજના યુવા ધનને સામાજીક પ્રવૃત્તિમાં જોડાવા આહવાન કર્યું હતું. તેમણે પાંચ માળના વણકર સમાજના સંકુલની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ચોથા અને પાંચમાં માળે પુસ્તકાલય અને શૈક્ષણિક વર્ગોનું આયોજન છે તથા શૈક્ષણિક સુવિધા માટે વર્ગ-૩ થી વર્ગ-૧ સુધીના શૈક્ષણિક વર્ગોનું શૈક્ષણિક વર્ગોનું આયોજન ગોઠવવામાં આવશે. સમાજના છાત્રોને સારો શિક્ષણ લાભ મળે તેવા આયોજન ઉપર ભાર મૂક્યો હતો. આ જ્ઞાનભવનમાં અંગ્રેજી પ્રશિક્ષણના વર્ગો સમગ્ર અનુસુચિત જાતિ માટે શરૂ કરવાની રૂપરેખા આપી હતી. આ જ્ઞાનભવનમાં કોમ્પ્યુટર લેબ પણ કાર્યાંવિત કરવાની નેમ વ્યક્ત કરી હતી. સમગ્ર ટ્રસ્ટી મંડળની સક્રિયતાને કારણે ભવનનો ઉદ્દેશ સાકાર કરી લાભાર્થીઓને વધુમાં વધુ લાભ થાય તેવા બહુહેતુક આયામ કરવાની ભાવનાને મૂર્તિમંત કરી હતી.

મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સદસ્ય ગુજરાત જાહેર સેવા આયોગના નાથુભાઈ સોસાએ નવી પેઢીના યુવાન- યુવતીઓને સમાજના નવનિર્માણમાં ઉન્નત ફાળો આપવા શીખ આપી હતી. આવનારા સમયમાં શિક્ષણ એ સમાજનો માઈલસ્ટોન બનવાનો હોઇ ભણતર સાથે ઘડતર સિદ્ધ કરી સામાજિક સ્તરે સમાજને મદદરૂપ બનવા અનુરોધ કર્યો હતો. સમાજની 70 હજાર જેટલી સામાજિક સંસ્થાઓ હોય ત્યારે એ તમામ સંસ્થાઓ નદીના પ્રવાહની જેમ ભળી જાય તો સમાજ દરિયો બની જશે અને પછી કોઈપણ કાર્ય સાકાર થતા સમાજને વાર નહીં લાગે તેવી લાગણી વ્યક્ત કરી હતી. સન્માનિત થનાર ડોક્ટર આયુષી સુનિલકુમાર સુતરીયાએ પ્રારંભમાં સ્વાગત ગીત રજૂ કર્યું હતું. વણકર સેવા સંઘ ચાંદખેડાના ઉપપ્રમુખ જીવણભાઈ બી. સોલંકીએ સ્વાગત પ્રવચન કરી આમંત્રિત મહેમાનોનું સાલ અને સંવિધાન આપી સન્માન કર્યું હતું.

સંસ્થાના મહામંત્રી મોતીલાલ પાટણવાળાએ વણકર સેવા સંઘ ચાંદખેડા-મોટેરાની સંસ્થાનો પ્રગતિ ચિતાર રજૂ કર્યો હતો. આ બેઠકમાં સંસ્થાના વાર્ષિક હિસાબો અને ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. આ સભામાં વર્તમાન પ્રમુખ અને મહામંત્રી અને કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સમારંભનો પ્રારંભ કરાવતાં નિવૃત્ત એડીશનલ ડીજીપી સી. આર. પરમારે વણકર સેવા સંઘ ચાંદખેડાની પ્રવૃત્તિઓને બિરદાવી યુવાનોને વર્તમાન યુગમાં શિક્ષણ, સેવાને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ વડીલો દાતા આજીવન દાતાશ્રીઓ તથા મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીજનો ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પરેશભાઈ સુતરીયા અને ચંદ્રવદન સુતરીયાએ અને આભારદર્શન મહેશભાઈ પ્રભાકરે કર્યું હતું.

આ પણ વાંચો, ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાનો પ્રારંભ, 14.28 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, ST દ્રારા કરાઇ ખાસ વ્યવસ્થા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *