સુરતમાં જળબંબાકાર; મેઘરાજાની 12 કલાકમાં 4.5 ઈંચની તોફાની ઈનિંગ, વાદળોથી ઢંકાયો ગીરનાર, જાણો ક્યા કેટલો પડ્યો વરસાદ

લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ આખરે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 12 કલાકમાં સુરત શહેરમાં નોંધાયેલા 4.5 ઈંચ વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને વહેલી સવારે માત્ર 4 કલાકમાં જ 2 ઈંચથી વધુ વરસાદ ખાબકતા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.

સુરતમાં થયેલા મુશળધાર વરસાદના કારણે ઉધના, પાંડેસરા, ભેસ્તાન સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરના દરવાજા સુધી પાણી પહોંચી ગયા હતા. અનેક ગરનાળાઓમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર બંધ કરી દેવો પડ્યો હતો. પ્રી-મોન્સૂન પ્લાનિંગના મોટા-મોટા દાવા કરનાર તંત્રનો પ્રથમ વરસાદમાં જ પર્દાફાશ થયો હોય તેમ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. કામરેજ અને ઓલપાડમાં 1.5 ઈંચ, તો માંગરોળમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ચોર્યાસીમાં પણ 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

  • દક્ષિણ ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ
  • સુરત, તાપી, વલસાડ, નવસારીમાં વરસાદ
  • સવારથી રાજ્યના કુલ 28 તાલુકામાં વરસાદ
  • સુરત શહેરમાં મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી
  • છેલ્લા 12 કલાકમાં સુરતમાં 4.5 ઈંચ વરસાદ
  • સવારે 4 કલાકમાં સુરતમાં વરસ્યો 2 ઈંચથી વધુ વરસાદ
  • સુરતના કામરેજ, ઓલપાડમાં સવારે 1.5 ઈંચ વરસાદ
  • સુરતના માંગરોળમાં પણ સવા ઈંચ વરસાદ વરસ્યો
  • વલસાડના ધરમપુર, સુરતના ચોર્યાસીમાં 1 ઈંચ વરસાદ
  • નવસારી શહેરમાં સવારે 2 કલાકમાં 1 ઈંચ વરસાદ

નવસારીમાં ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા
નવસારીમાં પણ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી, તે મેઘાની પધરામણી થઈ છે. વહેલી સવારે કાળાડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયેલા વરસાદથી નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી, પરંતુ ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી. છેલ્લા બે કલાકમાં ૧ ઈંચ વરસાદ પડતા ડાંગર પકાવતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતો હવે ડાંગરની રોપણીની પ્રવૃત્તિમાં જોડાશે. જોકે, વિજલપુર અને અલકાપુરી જેવા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા.

રાજ્યના 28 તાલુકાઓમાં વરસાદી માહોલ
દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 28 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ સુરતમાં 4 કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ તાપીના વાલોદમાં 1 મિમી જેટલો નોંધાયો છે. સુરત ઉપરાંત તાપી, વલસાડના ધરમપુર, અમરેલી, જૂનાગઢ અને ગીર પંથકમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. 

ગીરનાર પર્વત આજના વરસાદી વાતાવરણમાં વાદળોથી ઢંકાઈ જતા રમણીય દ્રશ્યો સર્જાયા હતા. લાંબા સમય બાદ શરૂ થયેલા આ વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, જ્યારે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *