‘હવનમાં હાડકાં નાખવાનું બંધ કરો, નહીં તો ક્યાં ખોવાઈ જશો એ ખબર નહીં પડે…. ‘: અમિત શાહે કોને આપી ચીમકી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના રુદ્રપુરમાં આયોજિત ‘ઉત્તરાખંડ રોકાણ મહોત્સવ’માં ભાગ લેતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં ઉત્તરાખંડ વિકાસના નવા શિખરો સર કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. શાહે ભારપૂર્વક કહ્યું કે જે લોકોએ એક સમયે નાના રાજ્યોના ભવિષ્ય અંગે શંકા વ્યક્ત કરી હતી, તે જ ઉત્તરાખંડ આજે પ્રગતિની રાહ પર છે. તેમણે ઓલ વેધર રોડ પ્રોજેક્ટને મોદી સરકારની મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી, જે સુપ્રીમ કોર્ટમાં પણ બચાવવામાં આવ્યો હતો અને હવે લગભગ પૂર્ણ થવાને આરે છે. આનાથી ચારધામ યાત્રા આખું વર્ષ ચાલુ રહી શકશે.

અમિત શાહે કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું કે, “જ્યારે ઉત્તરાખંડના લોકો રાજ્યની માંગણી માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસે આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. ઉત્તરાખંડ રાજ્યની રચના ભાજપ અને તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવી હતી.” કોંગ્રેસના નેતાઓને સીધી ચેતવણી આપતા શાહે કહ્યું, “જ્યારે રાજ્ય સારું કરી રહ્યું હોય, ત્યારે હવનમાં હાડકાં નાખવાનું બંધ કરો, નહીં તો તમારામાંથી જે કંઈ બચ્યું છે તે પણ અદૃશ્ય થઈ જશે.”

શાહે જણાવ્યું કે કેટલાક જૂથો દ્વારા ઓલ વેધર રોડ પ્રોજેક્ટને રોકવાના પ્રયાસો છતાં, મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં મજબૂત દલીલો રજૂ કરીને તેને સફળતાપૂર્વક આગળ ધપાવ્યો. આ રોડ હવે ચારધામ સુધી પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં સંપૂર્ણપણે કાર્યરત થશે, જે આખું વર્ષ પ્રવાસીઓને ઉત્તરાખંડ આવવા માટે સક્ષમ બનાવશે. ઉત્તરાખંડના આધ્યાત્મિક મહત્વનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે આ એવી ભૂમિ છે જ્યાં એક જ્યોતિર્લિંગ, ત્રણ શક્તિપીઠ, ચાર ધામ, પંચ કેદાર, પંચ પ્રયાગ અને સપ્ત બદ્રી જેવા પવિત્ર સ્થળો આવેલા છે. “જે રાજ્યનો દરેક ભાગ શ્રદ્ધાથી ભરેલો હોય તેના વિકાસને કોઈ રોકી શકતું નથી,” તેમણે ઉમેર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *