ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં લાગુ થશે UCC:આજે બપોરે મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરશે

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવશે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવશે. જે લોકોના સૂચન પર કામ કરશે. આજે મુખ્યમંત્રી પ્રેસકોન્ફરન્સ યોજી કમિટી અંગે જાહેરાત કરશે.

દેશમાં બે પ્રકારના કાનૂન છે- ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા. ક્રિમિનલ કાયદામાં ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે. દરેક ધર્મ, સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગુ પડે છે, જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે, છૂટાછેડા, ભરણ-પોષણ વગેરે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્ન, રીતરિવાજ અલગ અલગ છે. આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લૉ પણ કહેવાય છે.પર્સનલ લૉ એટલા માટે કે મુસ્લિમોમાં શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લૉ મુજબ થાય છે. હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે. ઈસાઈ અને શીખ માટે પણ અલગ પર્સનલ લૉ છે. યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લૉ ખતમ થઈ જશે અને કોઈપણ ધર્મ હોય, કોઈપણ સમુદાય હોય, એ તમામ માટે એકસમાન કાયદા રહેશે, જેને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કહેવાય છે.

આઝાદી પછી ઉત્તરાખંડ યુસીસી બિલ લાવનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જોકે ગોવામાં પણ પોર્ટુગીઝ શાસનના સમયથી યુસીસી અમલમાં છે. ગોવાને બંધારણમાં વિશેષ રાજ્યનો દરજ્જો હતો. આસામ સહિત દેશનાં ઘણાં ભાજપશાસિત રાજ્યોએ ઉત્તરાખંડ યુસીસીને મોડલ તરીકે અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ બિલમાં 400થી વધુ જોગવાઈઓ છે. લગ્નથી લઈને લિવ-ઇન-રિલેશનશિપ સુધીના કડક નિયમો બનાવવામાં આવ્યા છે, જોકે આ બિલમાં કરવામાં આવેલી વિશેષ જોગવાઈઓને લઈને વિવાદ થઈ શકે છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનું માનવું છે કે આ કાયદો મુસ્લિમો પર અત્યાચાર સમાન છે. જો આનો અમલ થશે તો મુસલમાનોના ઘણા અધિકારો જતા રહેશે. ઉદાહરણ તરીકે, કાયદેસરના છૂટાછેડા વગર એકથી વધુ લગ્નનો કોઈ અધિકાર રહેશે નહીં. શરિયત મુજબ મિલકતની વહેંચણી થશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *