વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટમાં GIFT સિટી કરશે આંતરરાષ્ટ્રીય નાણાકીય ક્ષમતાનું પ્રદર્શન

ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ વૈશ્વિક નાણાકીય ક્ષેત્રમાં પણ પોતાની મજબૂત ઓળખ ઉભી કરી રહ્યું છે. આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું તરીકે આવનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટમાં GIFT સિટી પોતાની આંતરરાષ્ટ્રીય નાણાકીય ક્ષમતાનું વિશેષ પ્રદર્શન કરવા જઈ રહી છે. 30 જૂને વડોદરાની GSFC યુનિવર્સિટીમાં યોજાનાર આ સમિટમાં ઉદ્યોગ, શિક્ષણ અને નાણાકીય ક્ષેત્રના પ્રતિનિધિઓ એક મંચ પર આવી વૈશ્વિક રોકાણ અને નાણાકીય સહકારની સંભાવનાઓ પર ચર્ચા કરશે.
સમિટ દરમિયાન “GIFT City: India’s International Financial Gateway” વિષય પર વિશેષ સત્ર યોજાશે, જેમાં બેન્કિંગ, ફંડ મેનેજમેન્ટ, આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ તેમજ IFSCAના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. આ સત્રનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર તરીકે GIFT સિટીની વધતી ભૂમિકા અને તેના ભવિષ્યના અવસરો રજૂ કરવાનો રહેશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં GIFT સિટીએ નાણાકીય ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. બેન્કિંગથી લઈને મૂડીબજાર, વીમા, ફંડ મેનેજમેન્ટ અને નવી ટેક્નોલોજી આધારિત સેવાઓ સુધી વિવિધ ક્ષેત્રોમાં તેનો વ્યાપ સતત વધી રહ્યો છે. વૈશ્વિક રોકાણકારો અને સંસ્થાઓ માટે GIFT સિટી એક આકર્ષક ગંતવ્ય તરીકે ઉભરી રહી છે.