US એર શોમાં સામસામે ટકરાયા બે F-18 ફાઈટર જેટ, પાયલટ્સનો થયો બચાવ

અમેરિકાના માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ પર આયોજિત એર શો દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે બે અમેરિકાના EA-18G ગ્રોલરના ફાઇટર જેટ હવામાં સામસામે ટકરાયા હતા. એરબેઝને તાત્કાલિક ખાલી કરવામાં આવ્યું હતું, ફાઈટર જેટ ટકરાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ટકરાતા બંન્ને વિમાનોમાં આગ લાગી ગઈ હતી. સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટના બપોરે 12:30 વાગ્યે (સ્થાનિક સમય) બની હતી અને તે પછી તરત જ ઘટનાસ્થળેથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.

રિપોર્ટ અનુસાર, અકસ્માતમાં સામેલ વિમાનો બે EA-18G ગ્રોલરના ફાઇટર જેટ હતા જેનો ઉપયોગ અમેરિકન નેવી/એરફોર્સ દ્વારા કરવામાં આવતો હતો, જે F-18 હોર્નેટનું અદ્યતન ઇલેક્ટ્રોનિક વોરફેર વેરિઅન્ટ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને જેટ એરબેઝથી લગભગ બે માઇલ દૂર ક્રેશ થયા હતા. ઇમરજન્સી ટીમો હાલમાં ઘટનાસ્થળે છે, અને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાનો એક વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, તેમાં બે વિમાનો સ્ટંટ દરમિયાન અથડાઈ રહ્યા છે, તેમના ટુકડાઓ હવામાં ઉડતા દેખાય છે. પરંતુ આ ભયાનક દ્રશ્ય વચ્ચે એક ચમત્કાર થયો હતો. ટક્કરની થોડી જ સેકન્ડોમાં આકાશમાં ચાર પેરાશૂટ ખુલતા જોવા મળ્યા હતા. ઇડાહો સ્ટેટ્સમેનના જણાવ્યા મુજબ, ચારેય ક્રૂ સભ્યો (પાયલટ્સ) સુરક્ષિત રીતે બહાર નીકળી અને સંપૂર્ણપણે સુરક્ષિત છે.

માઉન્ટેન હોમ એર ફોર્સ બેઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તપાસ ટીમો સ્થળ પર છે અને અકસ્માતનું કારણ શોધવામાં આવી રહી છે. અકસ્માત પછી તરત જ રવિવારે યોજાનારી અન્ય તમામ ઇવેન્ટ્સ રદ કરવામાં આવી હતી. નોંધનીય છે કે આઠ વર્ષની લાંબી રાહ જોયા પછી આ સપ્તાહના અંતે “ગનફાઇટર સ્કાઇઝ એર શો” યોજવામાં આવ્યો હતો.

આયોજકો છેલ્લા બે વર્ષથી આ ઇવેન્ટની તૈયારી કરી રહ્યા હતા પરંતુ આ અકસ્માતે આનંદના વાતાવરણને ભયમાં ફેરવી દીધું છે. આ દુર્ઘટનાથી માઉન્ટેન હોમ એર બેઝ પર અગાઉના અકસ્માતોની યાદો તાજી થઈ ગઈ છે. 2018માં રનવે પર ક્રેશ થતાં એક હેંગ ગ્લાઇડર પાયલટનું મૃત્યુ થયું હતું અને 2003માં એક થંડરબર્ડ જેટ ત્યાં ક્રેશ થયું હતું, જેમાં પાયલટ સમયસર બહાર નીકળી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *