‘રશિયા-ચીન અમેરિકાથી ડરે છે’: ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર

વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે એક મોટી ઘટના બની છે. યુનાઇટેડ સ્ટેટ્સ (United States) દ્વારા એટલાન્ટિક મહાસાગરમાં રશિયન ધ્વજ ધરાવતું એક ઓઈલ ટેન્કર જપ્ત કરવામાં આવ્યું છે. યુએસ ગૃહ વિભાગે આ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યા બાદ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) આક્રમક વલણ અપનાવીને રશિયા અને ચીનને ખુલ્લી ચેતવણી આપી છે.
ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) ને સીધો પડકાર ફેંકતા કહ્યું છે કે આ બંને દેશો જો દુનિયામાં કોઈનાથી ડરતા હોય, તો તે માત્ર અમેરિકા છે. ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન અમેરિકન સેનાને એટલી મજબૂત બનાવી દીધી છે કે દુશ્મન દેશો હવે અમેરિકા સામે આંખ ઉંચી કરતા પણ વિચારે છે.
તેમણે યુક્રેન મુદ્દે પણ મોટું નિવેદન આપતા કહ્યું કે જો તેમણે સમયસર હસ્તક્ષેપ ન કર્યો હોત તો આજે રશિયાએ આખા યુક્રેન પર કબજો જમાવી લીધો હોત. ટ્રમ્પના મતે, રશિયા અને ચીન જે દેશથી ભય અનુભવે છે તે ‘ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિર્મિત નવું અમેરિકા’ છે.