પ્રવાસીઓ સાવધાન! દ્વારકાના શિવરાજપુર બીચ પર ન્હાવા-સ્વિમિંગ પર લાગ્યો પ્રતિબંધ

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત બ્લુ ફ્લેગ સર્ટિફાઇડ શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ અને સ્થાનિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને શિવરાજપુર બીચ પર ન્હાવા તથા સ્વિમિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

આ પ્રતિબંધ લાઇટ હાઉસ સર્વે નંબર 58થી લઈને શિવરાજપુર ખાડી-2ના છેડા સુધીના વિસ્તારમાં લાગુ રહેશે. જિલ્લા વહીવટી તંત્રએ બીચની નિયમિત જાળવણી, સ્વચ્છતા અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

આ જાહેરનામું તા. 30 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. આ દરમિયાન કોઈ પણ વ્યક્તિ બીચ પર ન્હાતો કે સ્વિમિંગ કરતો જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત શિવરાજ પુર બીચના લાઈટ હાઉસ (સર્વે નંબર 58)થી 2 પોઈન્ટ સુધીના શિવરાજપુર બીચ વિસ્તારમાં 5 કિ.મી ત્રિજ્યા વિસ્તારમાં જાહેર અને ખાનગી વાહન ચલાવવા પર અથવા તેના ઉપયોગ કરવા પર તારીખ 23 જુલાઈ સુધી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત આ વિસ્તારમાં પ્લાસ્ટિકના ઉપયોગ કે વપરાશ, કચરો ફેંકવા, કેમ્પેઈન કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેરનામાનું પાલન કરે અને સહયોગ આપે. શિવરાજપુર બીચે વિશ્વ સ્તતે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મેળવ્યું છે, તેથી તેની સ્વચ્છતા અને સુરક્ષાને જાળવી રાખવી એ દરેકની જવાબદારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *