Gujarat: ચાર મહિના માટે ગુજરાતના તમામ અભયારણ્યો-રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રહેશે બંધ, જાણો કેમ લેવાયો આ નિર્ણય

ચોમાસાના ચાર માસ દરમિયાન ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોને પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ નિર્ણય આગામી તા. 15 જૂનથી તા. 15 ઓક્ટોબર 2025 દરમિયાન લાગુ રહેશે. જેથી પ્રવાસીઓ ગુજરાતનાં કોઈપણ રાષ્ટ્રીય ઉદ્યાનો કે અભયારણ્યોની મુલાકાત નહીં લઈ શકે.
ગુજરાતમાં ચોમાસાના ચાર માસ દરમિયાન રાજ્યના તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનોને પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. 15 જૂનથી તા. 15 ઓક્ટોબર 2025 દરમિયાન પ્રવાસીઓ ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો કે અભયારણ્યોની મુલાકાત નહીં લઈ શકે. પરંતુ 4 મહિના સુધી આ સ્થળો શા માટે બંધ કરવામાં આવે છે? ચાલો જાણીએ.
વન વિભાગના જાહેરનામા મુજબ, વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની જોગવાઈ મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર, ચક્રવાત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. આ સમયે વાતાવરણમાં અચાનક પલટો અને કોઈપણ સમયે વરસાદ આવવાની ભીતિથી પ્રવાસીઓ પણ અનિચ્છનીય મુસાફરી કરવાનું ટાળે છે.
આ નિર્ણયનું એક કારણ એ પણ છે કે, ચોમાસાનો ચાર માસનો સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ, સરીસૃપ વગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોય છે. જેમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવે તેને ધ્યાનમાં લઈને, વન વિભાગ દ્વારા ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
વન વિભાગના નિર્ણય મુજબ આગામી રવિવારને તા. 15 જૂનથી ચાર માસ માટે રાજ્યના તમામ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો બંધ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ ખાનગી કે સરકારી વેબસાઇટ-પોર્ટલ પર પણ પ્રવાસીઓ આ સ્થળોની મુલાકાત કરવા માટે ઓનલાઇન બુકિંગ કરી શકશે નહીં. ચોમાસા બાદ તા. 16 ઓક્ટોબર 2025થી તમામ પ્રવાસીઓ રાબેતા મુજબ તેની મુલાકાત લઈ શકશે.
આ પણ વાંચો, Weather update: અંબાલાલ પટેલે કહ્યુ- 13મી જૂને ગુજરાતમાં બેસી જશે ચોમાસું, આ તારીખોમાં ભારે વરસાદની આગાહી