Rahul Gandhi: રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, મોડાસામાં સંગઠન સૃજન અભિયાનનો કરાવશે પ્રારંભ

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ મોડાસામાં સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવશે. સંગઠનને મજબૂત બનાવવાના પાયલટ પ્રોજેકટનો ગુજરાતથી પ્રારંભ કરવામાં આવશે. રાહુલ ગાંધી અમદાવાદથી મોડાસા જવા રવાના થયા હતા. મોડાસાના સ્વામિનારાયણ મંદિર ખાતે અરવલ્લીના નેતા- કાર્યકરો સાથે બેઠક કરશે. નેતા- કાર્યકરો સાથે બેઠક બાદ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે.
સમગ્ર દેશમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને જિલ્લા પ્રમુખોની સત્તામાં વધારો કરવાનો નિર્ણય કરાયા બાદ તેના પાયલટ પ્રોજેક્ટની ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય કરાયો છે. રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.રાહુલ ગાંધીએ ગઈકાલે રાજીવ ગાંધી ભવનમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠકો કરી હતી, જેમાં જિલ્લા નિરીક્ષકોની નિમણૂંક કરી જવાબદારી સોંપી દીધી છે. એક કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતનાં નિરીક્ષકોની ટીમ બનાવી છે. જે 10 દિવસમાં કોંગ્રેસને જે તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ સબમિટ કરશે. ત્યાર બાદ 45 દિવસમાં એટલે કે 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરાશે. નિરીક્ષકોએ જિલ્લા અને શહેર અધ્યક્ષ માટે 5 નામની પેનલ બનાવવાની રહેશે. નિરીક્ષકોએ તેમને સોંપેલા સમગ્ર જિલ્લા કે શહેરનો પ્રવાસ કરવાનો રહેશે. નિરીક્ષકો જ્યારે જાય ત્યારે 3-3 દિવસ રોકાવાનું રહેશે. જિલ્લા કે શહેરમાં કોણ સૌથી વધારે સક્ષમ છે તે જાણવાનું રહેશે. પ્રવાસ દરમિયાન માત્ર નેતાને નહીં કાર્યકરો અને સામાન્ય જનતાને પણ મળવાનું રહેશે.
પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો, સંસદ સભ્યો, પૂર્વ સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. SC, ST, OBC અને માયનોરિટી ડિપાર્ટમેન્ટના વડા પણ નિરીક્ષક તરીકે જશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પૂર્વ વડાઓ પણ નિરીક્ષક તરીકે જશે. ગ્રાઉન્ડ લેવલથી પક્ષને ફરી બેઠો કરવામાં આવશે.
આ પણ વાંચો, Ayodhya: અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મંદિર ટ્રસ્ટને ઈમેઈલ મળતા હડકંપ