ગુજરાત સરકારની કર્મચારીઓ માટે મોટી ભેટ, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત રહેમરાહે નિમણૂક મેળવનાર પાત્ર કર્મચારીઓને જૂની પેન્શન યોજના ઓપીએસનો લાભ મળશે. વર્ગ 3 અને વર્ગ 4ના પાત્ર રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને OPSનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર અધિકારીઓ અને કર્મચારીઓએ OPSનો લાભ મેળવવા ત્રણ માસમાં અરજી કરવાની રહેશે. સરકારના આ નિર્ણયથી હજારો કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ખુશીના સમાચાર છે.
ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલા સરકારી કર્મચારીઓના પરિવારજનોને આર્થિક તથા સામાજિક સુરક્ષા પૂરી પાડવાના હેતુથી, રહેમરાહે (કંપેશનેટ ગ્રાઉન્ડ) નિમણૂક મેળવનાર વર્ગ-3 અને વર્ગ-4ના પાત્ર કર્મચારીઓને જૂની પેન્શન યોજના (Old Pension Scheme – OPS)નો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સત્તાવાર ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે.
સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ અનુસાર, સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ અન્વયે તા. 15/06/2004 થી તા. 31/03/2005 સુધીમાં રહેમરાહે નિમણૂક પામેલ હોવા જોઈએ અને તા. 15/06/2004 થી તા. 31/03/2005 સુધીમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રહેમરાહે નિમણૂક માટે ફાળવણી કરવામાં આવેલ હોય, પરંતુ તા. 01/04/2005 પછી નિમણૂક આપવામાં આવી હોય તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર છે.
ઉપરોક્ત બન્ને કિસ્સાઓમાં જે કર્મચારીઓએ તા. 01/04/2005 પછી ફિક્સ પગારનો નિયત સમયગાળો સફળતાપૂર્વક પૂર્ણ કરી નિયમિત નિમણૂક મેળવી છે, તેવા તમામ કર્મચારીઓને નાણા વિભાગના તા. 08/11/2024 અને તા. 16/04/2025ના ઠરાવ મુજબ જૂની પેન્શન યોજના (OPS) નો લાભ આપવામાં આવશે.
માસની અંદર અરજી કરવી ફરજિયાત
આ ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે આ ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી 3 (ત્રણ) માસની અંદર નિયત નમૂનામાં સત્તાવાર અરજી કરવાની રહેશે.