શેરબજાર 1 હજાર પોઈન્ટ તૂટ્યો, બે દિવસમાં જ રોકાણકારોએ રૂ. 16.42 લાખ કરોડ ગુમાવ્યા

શેરબજાર સળંગ પાંચમા દિવસે કડડભૂસ થયા છે. સપ્તાહના પ્રથમ બે દિવસમાં જ રોકાણકારોએ રૂ. 16.42 લાખ કરોડ ગુમાવ્યા છે. આજે સેન્સેક્સ 1356.69 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 1018.20 પોઈન્ટ તૂટી 76293.60 પર બંધ રહ્યો છે. એક દિવસમાં જ રોકાણકારોએ રૂ. 9.27 લાખ કરોડ ગુમાવ્યા છે.
નિફ્ટી પણ નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ સતત તૂટ્યો છે. જે 309.80 પોઈન્ટના ગાબડાં સાથે 23071.80 પર બંધ રહ્યો છે. સ્મોલકેપ અને મીડકેપમાં મોટાપાયે વેચવાલી સાથે એકંદરે માહોલ મંદીનો રહ્યો હતો.સ્મોલકેપ સેગમેન્ટમાં મોટાપાયે વેચવાલીના કારણે ઈન્ડેક્સમાં આજે 1665.61 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. ઈન્ડેક્સમાં ટ્રેડેડ 937 સ્ક્રિપ્સ પૈકી માત્ર 44 શેરમાં જ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે 892 શેર 20 ટકા તૂટ્યા હતાં. બીએસઈ મીડકેપમાં પણ ક્રિસિલ, ઓઈલ, સનટીવી, ફ્લુરો કેમિકલ્સ સિવાય તમામ શેરમાં 10 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. BSE ખાતે 459 શેરમાં લોઅર સર્કિટ વાગી છે. 123 શેર અપર સર્કિટ વાગી છે. 55 શેર વર્ષની ટોચે અને 479 શેર વર્ષના તળિયે નોંધાયા છે.
શેરબજારમાં ઘટાડા પાછળના કારણો
ટ્રમ્પની ટેરિફ નીતિઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફ લાદતાં ભારતની નિકાસ પર માઠી અસર થવાની ભીતિ વધી છે.
FII વેચવાલઃ વિદેશી રોકાણકારો ડોલરની મજબૂતાઈ તેમજ ટ્રેડવોરના ભયના કારણે ભારતીય શેરબજારમાંથી છેલ્લા પાંચ માસથી સતત વેચવાલી નોંધાવી રહ્યા છે. ફેબ્રુઆરીમાં દસ દિવસમાં જ 12643 કરોડ, જાન્યુઆરીમાં 87374.66 કરોડની વેચવાલી નોંધાવી હતી.