કડાકા ભડાકા સાથે આગામી 3 દિવસ ખુબ જ ભારે! ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદની ભારે આગાહી

ચોમાસાએ કેરળમાં એન્ટ્રી કરી દીધી છે અને તેના કારણે ઉત્તર ભારતથી લઈને મધ્ય ભારત સુધી હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે. ગઈકાલે દેશના 11 રાજ્યોમાં વાવાઝોડું આવ્યું અને વરસાદ થવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ જાન-માલનું નુકસાન પણ વેઠવું પડ્યું છે. ફ્લાઇટ્સ પણ ડાયવર્ટ કરવી પડી હતી. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી આવું જ વાતાવરણ રહેવાનું અનુમાન લગાવ્યું છે.
IMD અનુસાર, હવે ચોમાસું ધીમે-ધીમે આગળ વધશે. આગામી 7 દિવસ દરમિયાન કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર-પૂર્વી ભારતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વી ભારત તેમજ દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા અને વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે.
IMD અનુસાર, ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂને એન્ટ્રી કરી લે છે, પરંતુ આ વખતે ચોમાસું 3 દિવસ મોડું આવ્યું છે. આ સાથે જ જૂનથી સપ્ટેમ્બર સુધી 4 મહિના ચાલનારી ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસું હવે આગામી દોઢ મહિનામાં સમગ્ર દેશને આવરી લેશે. સામાન્ય રીતે ચોમાસાની વિદાય 17 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાનથી થાય છે અને 15 ઓક્ટબર સુધીમાં તે સંપૂર્ણપણે વિદાય લઈ લે છે.
આગામી 2-3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, સમગ્ર ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, કર્ણાટકના વધુ કેટલાક ભાગો, તમિલનાડુના બાકીના ભાગો, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ-મધ્ય, પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીના વધુ કેટલાક વિસ્તારો તેમજ પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળથી આગળ વધતા 5 જુલાઈ સુધીમાં (એક મહિનાની અંદર) મેઘાલય, આસામ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ અને રાજસ્થાનમાં પહોંચી જશે.
દિલ્હીમાં ગઈકાલે મુશળધાર વરસાદ પડ્યો અને તોફાની પવન ફૂંકાયો હતો. લોકોને ગરમીથી રાહત મળી અને હવામાન ખુશનુમા બન્યું હતું. આ બધું હોવા છતાં ગઈકાલે દિલ્હીનું તાપમાન 40 અને 29 ડિગ્રી નોંધાયું હતું. હવે આગામી 2 દિવસ સુધી આકાશમાં વાદળો છવાયેલા રહેશે. સવાર-સાંજ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. ઝડપી પવન ફૂંકાશે, જેની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સવારથી બપોર સુધી પવનના ઝાપટાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
IMD અનુસાર, આવતીકાલે 6 જૂન, શનિવારના રોજ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં વાવાઝોડાની આશંકાને કારણે ઓરેન્જ એલર્ટ રહેશે. અંડમાન અને નિકોબાર દ્વીપસમૂહ, કેરળ, કર્ણાટક, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદનું અનુમાન છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, મધ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કેટલીક જગ્યાએ વાવાઝોડા સાથે કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
IMD અનુસાર, પરમદિવસે 7 જૂન, રવિવારના રોજ પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ રહી શકે છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં વરસાદનું અનુમાન છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંક-ક્યાંક ભારે વરસાદ પણ થઈ શકે છે. આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદ અને વાવાઝોડાની અસર જોવા મળશે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://રેપો રેટમાં કોઇ જ ફેરફાર નહીં, 5.25% પર યથાવત્, જાણો તમારા EMI પર શું અસર થશે?