ફરીથી ઘુમાના જે CCTV સામે આવ્યાં, તે દીપડો નહીં, બિલાડી હતી

અમદાવાદમાં અત્યારે હાલ દીપડો દેખાવાની ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પહેલા ઘુમા અને પછી ચાંદખેડામાં દીપડો દેખાયો હોવાની ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારબાદ ચાંદખેડાના માધવ હોમ્સ અને રોયલ ઓર્ચિડ સામે રેસ્ક્યૂ ઓપરેશન સફળ થતાં દીપડાને પાંજરે પુરાયો હોવાનો એક વીડિયો પણ ઝડપથી વાયરલ થયો હતો. જોકે, હકીકત એવી નથી.
વાસ્તવમાં અમદાવાદના શરણાદીપ સોસાયટીની પાછળ આવેલા ગ્રીન સિટી વિસ્તારમાં વહેલી સવારે દીપડો જોવા મળ્યો હોવાની માહિતી સામે આવી હતી. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં ગેરેજમાં પાર્ક કરેલી ગાડીઓની નીચેથી દીપડો બહાર નીકળતો હોવાનું દેખાતું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, વહેલી સવારે 6:05 વાગ્યે CCTV કેમેરામાં આ દૃશ્ય કેદ થયું હોવાનું સામે આવ્યું હતું. ફૂટેજમાં ગેરેજમાં ઉભેલી ગાડીઓની નીચેથી એક પ્રાણી બહાર આવતું જોવા મળતું હતું. વીડિયો સામે આવ્યા બાદ આસપાસના રહેવાસીઓએ સાવચેતી વધારી દીધી હતી અને વહેલી સવારે તેમજ મોડી રાત્રે બહાર નીકળવાનું ટાળવાનું શરૂ કર્યું હતું.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસથી દીપડો ગ્રીન સિટી સોસાયટી અને શરણાદીપ સોસાયટી વચ્ચે જ આંટાફેરા કરી રહ્યો છે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. જેના કારણે લોકોમાં સતત ભયનો માહોલ હતો. ખાસ કરીને બાળકોને એકલા બહાર ન જવા અને રહેવાસીઓને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી રહી હતી.
બીજી તરફ, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં કરવામાં આવતા દાવા અને વાસ્તવિક ઘટના વચ્ચે મોટો તફાવત હોવાનું સામે આવ્યું છે. હાલ ઉપલબ્ધ માહિતી અનુસાર ચાંદખેડાના માધવ હોમ્સ અને રોયલ ઓર્ચિડ સામે દીપડો પાંજરે પુરાયો હોવાનો દાવો સાચો નથી. વાસ્તવિક ઘટના ગ્રીન સિટી વિસ્તારમાં બની હોવાનું કહેવાતું હતું, જ્યાં CCTVમાં પ્રાણીની હિલચાલ નોંધાઈ હતી.
આ સમગ્ર ઘટનાને લઈને ગ્રીન સિટી સોસાયટી, ઘુમા વિસ્તારમાં ગાડીની નીચેથી દીપડો નીકળ્યો હોવાના વાયરલ વીડિયોના આધારે વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે સ્થળ પર તપાસ કરતાં જ્યાં દીપડાના પગલાં હોવાનું માનવામાં આવી રહ્યું હતું ત્યાં પગલાં બિલાડીના હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, અન્ય એક ગાડીની નીચેથી પણ બિલાડી જ બહાર નીકળેલી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. જેના આધારે વન વિભાગે સ્પષ્ટ કર્યું કે વાયરલ વીડિયો દીપડાનો નહીં પરંતુ બિલાડીનો હોવાનું જણાઈ આવે છે.
નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ, અમદાવાદ દ્વારા લોકોને ફરી એકવાર અપીલ કરવામાં આવી છે કે આવી કોઈપણ પ્રકારની અફવા ફેલાવવી નહીં. જો કોઈપણ વન્યપ્રાણી સંબંધિત માહિતી મળે તો તરત જ વન વિભાગના હેલ્પલાઇન નંબર 76000 09845 પર સંપર્ક કરવા જણાવાયું છે. વિભાગે લોકોને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અને સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભ્રામક દાવાઓથી સાવચેત રહેવાની અપીલ કરી છે.